ચીન સામેના પડકારનો સામનો કરવા અમેરિકા કરશે ભારતને મદદ

11 November, 2023 11:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત અને અમેરિકાના વિદેશ અને સંરક્ષણપ્રધાનોની 2+2 મીટિંગ યોજાઈ : ડિફેન્સ સેક્ટરમાં સહકાર પર ખાસ ભાર

નવી દિલ્હીમાં ગઈ કાલે અમેરિકાના સંરક્ષણપ્રધાન લૉઇડ ઑસ્ટિન, અમેરિકાના વિદેશપ્રધાન ઍન્ટની બ્લિન્કન, ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ. જયશંકર.

નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ ભારત અને અમેરિકાએ ડિફેન્સ પ્રોડક્શન અને ઉદ્યોગો માટે ખૂબ જ મહત્ત્વનાં મિનરલ્સ અને હાઈ ટેક્નૉલૉજી જેવાં ક્ષેત્રોમાં કોલેબરેશન વધારીને બંને દેશો વચ્ચેની સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપને મજબૂત કરવા માટે ગઈ કાલે અનેક મુદ્દે વાતચીત કરી હતી. એમાં ઇઝરાયલ અને હમાસ આતંકવાદી જૂથ વચ્ચેની લડાઈ તેમ જ ઇન્ડો-પૅસિફિક પ્રદેશમાં અનેક દેશોને ડરાવવા માટે ચીન દ્વારા કરવામાં આવતા શક્તિપ્રદર્શન પર પણ ફોકસ રહ્યું હતું. આ અમેરિકન પ્રધાનો પીએમ નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.
રશિયા-યુક્રેન યુદ્ધ તેમ જ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈને કારણે વૈશ્વિક સ્તરે વ્યાપેલા ખળભળાટની સ્થિતિમાં ભારત અને અમેરિકાના વિદેશ અને સંરક્ષણપ્રધાનોની 2+2 મીટિંગ યોજાઈ હતી. 
આ 2+2 વાતચીતમાં અમેરિકાના પક્ષેથી વિદેશપ્રધાન ઍન્ટની બ્લિન્કન અને સંરક્ષણપ્રધાન લૉઇડ ઑસ્ટિન જ્યારે ભારત પક્ષેથી વિદેશપ્રધાન એસ. જયશંકર અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ હતા. 
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક પાર્ટનરશિપના પાયામાં પરસ્પર વિશ્વાસ છે. ચીનની આક્રમકતાનો જવાબ આપવા, ઇન્ડો-પૅસેફિક પ્રદેશ મુક્ત રહે એના માટે પ્રયાસો કરવા તેમજ પ્રાદેશિક સુરક્ષાના પડકારોનો સામનો કરવા જેવા મહત્ત્વનાં મુદ્દાઓ પર બંને દેશો વચ્ચેની સહમતીમાં વધારો થઈ રહ્યો છે.’ તેમણે વધુ જણાવ્યું હતું કે ‘અમે ઇન્ડો-પૅસિફિક પ્રદેશમાં દરિયાઈ સુરક્ષા પર ફોકસ કરીએ છીએ. મહત્ત્વના દરિયાઈ માર્ગોની સુરક્ષાના મહત્ત્વ સમજી રહ્યા છીએ અને સ્થિરતાને પ્રમોટ કરી રહ્યા છીએ. અમારી ટીમ્સ સાર્થક પરિણામ આવે એના પર કામ કરી રહી છે.’ 
જયશંકરે જણાવ્યું હતું કે બંને દેશો મહત્ત્વની ટેક્નૉલૉજીઝ, સિવિલ આઉટરસ્પેસ અને વિવિધ ઉદ્યોગો માટે મહત્ત્વનાં મિનરલ્સના ક્ષેત્રમાં સહકાર વધારવાના ઉપાયો વિચારી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ‘આ વર્ષની સૌથી મહત્ત્વની ઇવેન્ટ વડા પ્રધાન મોદીની જૂનમાં અમેરિકાની વિઝિટ રહી હતી. એણે બંને દેશો વચ્ચેના સંબંધમાં નવું પ્રકરણ ખોલ્યું છે.’

national news china narendra modi