26 November, 2022 03:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લંડન : યુકે સહિત ૪૦થી વધુ દેશમાં ઍમેઝૉનના વેરહાઉસમાં કામ કરતા વર્કર્સે ગઈ કાલે હડતાળની જાહેરાત કરીને વિરોધપ્રદર્શન કર્યું હતું. અત્યારે ક્રિસમસ પહેલાં, ઍમેઝૉન માટે શૉપિંગના મહત્ત્વના દિવસો પહેલાં જ આ હડતાળ પાડવામાં આવી.
સમગ્ર યુરોપ સિવાય જપાન, ઑસ્ટ્રેલિયા, ભારત, બંગલાદેશ અને અમેરિકા સહિત અનેક દેશોના કર્મચારીઓ વધુ સારા વેતન અને કામના સ્થળે સારી સ્થિતિની માગણી સાથે ‘મેક ઍમેઝૉન પે’ કૅમ્પેન ચલાવી રહ્યા છે.
યુકેમાં લેબર યુનિયન જીએમબીના હજારોની સંખ્યામાં મેમ્બર્સ ઍમેઝૉનનાં અનેક વેરહાઉસિસ ખાતે હડતાળ અને વિરોધપ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.
જીએમબીના સિનિયર આયોજક અમાન્ડા જેરિંગે કહ્યું હતું કે ‘અમે ઍમેઝૉનને કહેવા માગીએ છીએ કે જો તમે તમારું સામ્રાજ્ય સતત વધારવા ઇચ્છતા હોય તો વેતન અને વર્કર્સની સ્થિતિ સુધારવા માટે જીએમબીની સાથે વાત કરો.’
યુકેમાં ઍમેઝૉન સર્વિસિસનો પ્રૉફિટ ૬૦ ટકા વધીને ૨૦.૪૦ કરોડ પાઉન્ડ (૨૦.૧૪ અબજ રૂપિયા) થયો છે. હવે જ્યારે મોંઘવારી ખૂબ જ વધી છે ત્યારે વર્કર્સ એક કલાકનું વેતન ૧૦.૫૦ પાઉન્ડ (૧૦૩૬.૬૯ રૂપિયા)થી વધારીને ૧૫ પાઉન્ડ (૧૪૮૦.૯૮ રૂપિયા) કરવાની માગણી કરી રહ્યા છે.
આયરલૅન્ડના શહેર ડબલિનમાં ગઈ કાલે બપોરે એક વાગ્યાથી ઍમેઝૉનની ઑફિસોની બહાર વિરોધપ્રદર્શનની શરૂઆત થઈ હતી.