30 November, 2022 10:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બૅન્ગલોર : ઍમેઝૉન ઇન્ડિયામાં સેંકડો કર્મચારીઓની નોકરીમાંથી હકાલપટ્ટી કરશે. આ ઈ-કૉમર્સ કંપની ભારતમાં એની કેટલીક કામગીરી બંધ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ઍમેઝૉન ઇન્ડિયામાં ફૂડ ડિલિવરી બિઝનેસ બંધ કરશે. સાથે જ એ નાના ઉદ્યોગોને પૅકેજ્ડ કન્ઝ્યુમર ગુડ્સની ઘરઆંગણે ડિલિવરી કરવાનું પણ બંધ કરશે.
આવતા મહિને આ છટણીપ્રક્રિયા હાથ ધરાશે. દુનિયામાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં ઈ-માર્કેટ્સમાં ભારતનો સમાવેશ થાય છે અને આ કંપનીના આ લેટેસ્ટ પગલાથી ખ્યાલ આવે છે કે આ કંપનીને કૉમ્પિટિશનમાં ટકી રહેવું મુશ્કેલ જણાય છે. આ છટણીને લઈને કેન્દ્ર સરકાર પણ ઍમેઝૉનની વિરુદ્ધ ઍક્શન લેવા જઈ રહી છે. થોડાં અઠવાડિયાં પહેલાં જ આ કંપનીએ જાહેર કર્યું હતું કે આર્થિક મોરચે અનિશ્ચિતતાની સ્થિતિને કારણે એ હજારો કર્મચારીઓની છટણી કરશે. ઍમેઝોન એના લર્નિંગ પ્લૅટફૉર્મને પણ બંધ કરશે. જોકે એને માટે સમય લાગશે એમ જણાવાઈ રહ્યું છે. આ લર્નિંગ પ્લૅટફૉર્મ દેશની મેડિકલ અને એન્જિનિયરિંગ કૉલેજોમાં ઍડ્મિશન મેળવવા માટે સ્ટુડન્ટ્સને કન્ટેન્ટ પૂરું પાડે છે.
હોલસેલ યુનિટ ઍમેઝૉન ડિસ્ટ્રિબ્યુશનને પણ બંધ કરવામાં આવશે, જે કર્ણાટકના ત્રણ જિલ્લામાં નાના દુકાનદારોને સર્વિસ પૂરી પાડે છે. ઍમેઝૉન ઇન્ડિયાના પ્રવક્તાએ આ બાબત કન્ફર્મ કરી હતી. ઍમેઝૉને તાજેતરમાં જાહેર કર્યું હતું કે ખર્ચ ઘટાડવા માટે એ દુનિયાભરમાં ઓછામાં ઓછા ૧૦,૦૦૦ કર્મચારીઓની છટણી કરશે.