હવે અનશન એ જ ઉપાય

13 November, 2024 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાડદેવની તુલસીવાડીના રીડેવલપમેન્ટમાં ઘણી ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આક્ષેપ

ગેરરીતિઓની ખિલાફ અનશન પર બેસનારા તુલસીવાડી સંઘર્ષ સમિતિના રાહુલ મારુ

તાડદેવમાં આવેલી તુલસીવાડીના ઝૂંપડાવાસીઓએ હાલમાં ત્યાં થઈ રહેલા રીડેવલપમેન્ટમાં ગેરરીતિઓ આચરાઈ હોવાના આક્ષેપ કર્યા છે એટલું જ નહીં, આની સામે તેમણે તુલસીવાડી સંઘર્ષ સમિતિ બનાવીને બૃહન્મુંબઈ મ્યુનિ​સિપલ કૉર્પોરેશન (BMC), પોલીસ અને સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ને પત્રવ્યવહાર કરીને જાણ કરી છે છતાં કોઈ પગલાં ન લેવાતાં હવે સમિતિના પ્રેસિડન્ટ રાહુલ મારુએ ઑથોરિટીનું ધ્યાન દોરવા અનશનનું શસ્ત્ર ઉગામ્યું છે. ૧૫ નવેમ્બરથી તેઓ તુલસીવાડીમાં અનશન પર બેસવાના છે.

તુલસીવાડી રીડેવલપમેન્ટ હેઠળ બનેલાં મકાનો

રાહુલ મારુએ આ બાબતે આક્ષેપ કરતાં ‘મિડ-ડેને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારનાં ઝૂંપડાંઓનું પુનર્વસન કરવા ટ્રાય પાર્ટી ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાં BMC, અમારી ઝૂંપડાવાસીઓની સોસાયટી અને ડેવલપરનો કરાર થયો હતો. જોકે એ પછી ડેવલપરે અમે જે ઓરિજિનલ ટેનન્ટ (ઝૂંપડાવાસીઓ) હતા એમાંથી કેટલાકને જગ્યા આપી, પણ બીજા કેટલાક લોકોને ખોટા દસ્તાવેજ બનાવી પૈસા લઈને જગ્યા આપી દીધી છે એથી અમે તેમનો વિરોધ કર્યો, પણ અમારી વાત કાને ધરાતી નથી. અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ એને ગણતરીમાં લેવાતી નથી એટલે હું હવે ૧૫ તારીખથી અનશન પર બેસવાનો છું.’

tardeo mumbai mumbai news