12 March, 2023 10:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : સીઝનલ ઇન્ફ્લુએન્ઝા સબટાઇપ H3N2ના કેસમાં ખૂબ જ વધારાની સ્થિતિમાં કેટલાંક રાજ્યોમાં કોવિડ પૉઝિટિવિટી રેટમાં ધીરે-ધીરે થઈ રહેલા વધારા બાબતે કેન્દ્ર સરકારે ગઈ કાલે ચિંતા વ્યક્ત કરી હતી અને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની જરૂર પર ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગઈ કાલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા લેટરમાં જણાવ્યું હતું કે ‘રાજ્યોને દવાઓ અને મેડિકલ ઑક્સિજન પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે કે નહીં તેમ જ કોરોના અને ઇન્ફ્લુએન્ઝા માટે રસીકરણ જેવી હૉસ્પિટલોની તૈયારીઓની સમીક્ષા કરવાની વિનંતી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે કેટલાંક રાજ્યોમાં કોવિડ પૉઝિટિવિટી રેટ્સ ધીરે-ધીરે વધી રહ્યો છે, જે ચિંતાની બાબત છે અને એ મામલે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.’
નવા કેસ અને હૉસ્પિટલાઇઝેશનનું પ્રમાણ પણ ખૂબ ઓછું અને બીજી બાજુ રસીકરણનું પ્રમાણ વધારે હોવા છતાં સતર્ક રહેવાની જરૂર છે. એ સિવાય ટેસ્ટ, ટ્રૅક, ટ્રીટ, વૅક્સિનેશન તેમ જ કોરોનાના સંક્રમણથી બચવાના ઉપાયો અપનાવવા જેવી પાંચ સ્તરીય સ્ટ્રૅટેજી પર ફોકસ કરવાની જરૂર છે.