06 July, 2024 09:12 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અજય સિંહના પરિવારજનો
પંજાબના ૨૩ વર્ષના શહીદ અગ્નિવીર અજય સિંહના પરિવારજનો દ્વારા ગુરુવારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે અજય સિંહને શહીદ થયાના છ મહિના બાદ પણ તેમને કેન્દ્ર સરકાર કે આર્મી તરફથી એક્સગ્રેશિયાની રકમ આપવામાં આવી નથી.
સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના સામે સવાલો ઉઠાવીને એને બંધ કરવાની ભલામણ સાથે કહ્યું હતું કે અજય સિંહના પરિવારને કોઈ વળતર મળ્યું નથી. જોકે એ સમયે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે શહીદના પરિવારને એક કરોડ રૂપિયાની રકમ ચૂકવી દેવામાં આવી છે. ત્યાર બાદ આર્મીએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શહીદ પરિવારને કુલ ૧.૬૫ કરોડ રૂપિયા મળવાના છે જે પૈકી ૯૮.૩૯ લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે, એમાં એક્સગ્રેશિયા રકમ પેન્ડિંગ છે, એક્સગ્રેશિયા અને અન્ય લાભ સહિત કુલ ૬૭ લાખ રૂપિયા આ પરિવારને ફાઇનલ અકાઉન્ટ સેટલમેન્ટ તરીકે ચૂકવી દેવામાં આવશે.
શહીદના પિતા ચરણજિત સિંહ કાલાએ જણાવ્યું હતું કે ‘અમને ૯૮ લાખ રૂપિયા મળ્યા છે જે વીમાની રકમ છે. એમાં ૪૮ લાખ રૂપિયા આર્મીની વીમાની રકમ છે અને ૫૦ લાખ રૂપિયા પ્રાઇવેટ બૅન્કની વીમાની રકમ છે. એક્સગ્રેશિયા રકમ અમને મળી નથી. પંજાબ સરકારે અમને એક કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. અમને નાણાં નથી જોઈતાં, અમને અમારો પુત્ર પાછો આપો.’