ઍરક્રાફ્ટ્સમાં હવે ઇનફ્લાઇટ વાઇ-ફાઇની સુવિધા મળી શકશે

02 January, 2025 07:26 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએ પહોંચ્યા પછી દુનિયા સાથે રહી શકાશે કનેક્ટેડ

ઍર ઇન્ડિયા

તાતા જૂથની માલિકીની ઍર ઇન્ડિયાએ હવે એની ડોમેસ્ટિક ફ્લાઇટોમાં પ્રવાસીઓને ઇનફ્લાઇટ વાઇ-ફાઇની સુવિધા આપવાની શરૂઆત કરી છે અને આવું કરનારી દેશમાં આ પહેલી ઍરલાઇન છે.

આ સંદર્ભે ઍર ઇન્ડિયાએ જણાવ્યું છે કે ડોમેસ્ટિક રૂટો પર ઍરબસ A350, બોઇંગ 787-9 અને કેટલીક ઍરબસ A321 neo ઍરક્રાફ્ટમાં આ સુવિધા પ્રવાસીઓને મળી શકશે. આમ ડોમેસ્ટિક સેક્ટરમાં ઍર ઇન્ડિયાએ ઇનફ્લાઇટ વાઇ-ફાઇની સુવિધા આપી છે જેમાં પ્રવાસીઓ ફ્લાઇટ દરમ્યાન પણ બ્રાઉઝિંગ કરી શકશે, સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી શકશે અને મિત્રો અને પરિવારજનોને ટેક્સ્ટ-મેસેજ કરી શકશે અ‌ને સાથે તેઓ કામ પણ કરી શકશે.

ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે હવામાં ૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએ પહોંચ્યા પછી પ્રવાસીઓ વાઇ-ફાઇ દ્વારા સ્માર્ટફોન, લૅપટૉપ અને ટૅબ્લેટ ચલાવી શકશે, આઇફોન અને ઍન્ડ્રૉઇડ ફોન વાપરી શકશે.

ઍર ઇન્ડિયાએ એની ન્યુ યૉર્ક, લંડન, પૅરિસ અને સિંગાપોર જેવી કેટલીક ઇન્ટરનૅશનલ ફ્લાઇટોમાં ઍરબસ A350, સિલેક્ટ ઍરબસ A321 neo અને બોઇંગ B787-9 ઍરક્રાફ્ટમાં પાઇલટ ધોરણે વાઇ-ફાઇની સુવિધા શરૂ કરી છે. હાલમાં આ સુવિધા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે. ડોમેસ્ટિક સેક્ટરમાં પણ આ સુવિધા હાલમાં મફત આપવામાં આવી રહી છે.

national news india tata group air india