18 February, 2023 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હરિયાણામાં બે મુસ્લિમ યુવકોના સળગેલી હાલતમાં મૃતદેહો મળ્યા
ભરતપુરઃ હરિયાણામાં એક કારમાં બે મુસ્લિમ પુરુષોના સળગેલી હાલતમાં મૃતદેહો મળ્યાના એક દિવસ બાદ પાંચ પુરુષોની વિરુદ્ધ કિડ્નૅપિંગનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ વાસ્તવમાં ગૌરક્ષકો દ્વારા કરવામાં આવેલી હત્યાનો મામલો હોવાની શંકા છે. ૨૫ વર્ષના નાસિર અને ૩૫ વર્ષના જુનૈદનું બુધવારે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. હરિયાણાના ભિવાની જિલ્લામાં ગુરુવારે સવારે એક એસયુવીમાં તેમના સળગેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા.
સરકારે બે આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ કેન્દ્ર સરકારે વિધ્વંસક અને ભારતવિરોધી પ્રવૃત્તિઓ બદલ ગઈ કાલે બે જૂથો પર પ્રતિબંધ મૂક્યો હતો અને એક વ્યક્તિને આતંકવાદી ઘોષિત કર્યો હતો. આ બે જૂથોમાં જમ્મુ ઍન્ડ કાશ્મીર ગઝનવી ફોર્સ અને ખાલિસ્તાન ટાઇગર ફોર્સનો સમાવેશ થાય છે. ઉપરાંત પંજાબના નિવાસી હરવિન્દર સિંહ સંધુ ઉર્ફ રિન્દાને આતંકવાદી જાહેર કરાયો હતો. એક અલગ આદેશમાં ગૃહમંત્રાલયે છ રાજ્યો, એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ૧૦ સંવેદનશીલ સંસ્થાનોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકોની એન્ટ્રી બંધ કરાઈ છે.
ઍર ઇન્ડિયાનાં ૪૭૦ નવાં પ્લેન્સ માટે જોઈએ છે ૬૫૦૦ પાઇલટ્સ
નવી દિલ્હી: ઍર ઇન્ડિયાએ એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં ‘સ્કાય ઇઝ ધ લિમિટ’ તકોનું સર્જન કર્યું છે. આ ઍરલાઇનને આગામી વર્ષોમાં ઍરબસ અને બોઇંગ દ્વારા સપ્લાય કરવામાં આવનારાં ૪૭૦ વિમાનોને ઑપરેટ કરવા માટે ૬૫૦૦થી વધુ પાઇલટ્સની જરૂર પડશે.
પોતાનાં વિમાનોની સંખ્યા અને સાથે પોતાની કામગીરીનો વ્યાપ વધારવા માટે આ ઍરલાઇને કુલ ૮૪૦ વિમાનો ખરીદવા માટે ઑર્ડર આપ્યા છે, જેમાં ૩૭૦ પ્લેન ખરીદવાનો પણ એક ઑપ્શન છે. કોઈ પણ એક ઍરલાઇન દ્વારા વિમાનોની ખરીદી માટે આપવામાં આવેલો આ સૌથી મોટો ઑર્ડર છે. અત્યારે ઍર ઇન્ડિયા પાસે એનાં ૧૧૩ વિમાનોને ઑપરેટ કરવા માટે લગભગ ૧૬૦૦ પાઇલટ્સ છે. ક્રૂની શૉર્ટેજને કારણે ખૂબ લાંબા સમયની ફ્લાઇટ્સ કૅન્સલ કે ડિલે થઈ હોવાની ઘટનાઓ બની છે.
ચીનમાં હવે અબજોપતિ ટેક બૅન્કર ગાયબ
બીજિંગ ઃ ચીનમાં એક હાઈ પ્રોફાઇલ અબજોપતિ બૅન્કર ગાયબ થઈ ગયા છે. ચાઇના રેનેસન્સ હોલ્ડિંગ્સના ચીફ એક્ઝિક્યુટિવ બાઓ ફૅનનો છેલ્લા કેટલાક સમયથી સંપર્ક કરી શકાયો નથી. આ કંપનીએ ગુરુવારે એક માર્કેટ અપડેટમાં આ વાત જણાવી હતી. બાઓની કંપનીની આ જાહેરાતથી ચીનમાં ફાઇનૅન્સ અને ટેક કંપનીઓના દિગ્ગજોની વિરુદ્ધ ઑથોરિટીઝ દ્વારા ઍક્શનની શરૂઆત થઈ હોવાની ચિંતા ફેલાઈ છે. આ પહેલાં ચીનના કેટલાક એક્ઝિક્યુટિવ્સ ઓચિંતા ગાયબ થઈ ગયા છે. ઓછામાં ઓછા છ અબજોપતિઓ ગાયબ થઈ ગયા છે. ૨૦૨૦ના અંતમાં અલીબાબાના ફાઉન્ડર જેક મા લગભગ ત્રણ મહિના સુધી લોકોની નજર હેઠળથી ગાયબ થઈ ગયા હતા.