01 June, 2024 06:41 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે ફ્લાઇટ સૅન ફ્રાન્સિસ્કો માટે રવાના થઈ એ પહેલાં લૉબીમાં બેસેલા પૅસેન્જરો.
ઍર ઇન્ડિયાની દિલ્હીથી સૅન ફ્રાન્સિસ્કોની ફ્લાઇટના પૅસેન્જરોને દિલ્હી ઍરપોર્ટ પર અત્યંત ખરાબ અનુભવ થયો હતો. આ ફ્લાઇટ ગુરુવારે બપોરે ટેક-ઑફ થવાની હતી એ પહેલાં પૅસેન્જરોને પ્લેનમાં બેસાડી દેવામાં આવ્યા હતા, પણ એ પછી આઠ કલાક સુધી ફ્લાઇટ ટેક-ઑફ થઈ નહોતી. વિમાનમાં ઍર-કન્ડિશનિંગ ન હોવાથી કેટલાક પૅસેન્જરો બેભાન થઈ ગયા હતા. એ પછી પૅસેન્જરોને પ્લેનમાંથી ઉતારીને ઍરપોર્ટની લૉબીમાં બેસાડી દેવામાં આવ્યા હતા. પૅસેન્જરોને ૨૦ કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ શુક્રવારે સવારે ૧૧ વાગ્યે ૧૮૩ નંબરની ફ્લાઇટ ટેક-ઑફ થઈ હતી. શ્વેતા પંજ નામનાં જર્નલિસ્ટે સોશ્યલ મીડિયા પર પૅસેન્જરોને થયેલા કડવા અનુભવ વિશે વિગતવાર જણાવ્યું હતું. દિલ્હીમાં ૫૦ ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર હતું એવા સમયે પૅસેન્જરોને પ્લેનમાં ઍર-કન્ડિશનિંગ વિના બેસી રહેવાની ફરજ પાડવામાં આવી હતી. પૅસેન્જરોમાં સામેલ અભિષેક શર્મા નામના યુવાને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘બાળકો અને વૃદ્ધોને જમીન પર બેસવું પડ્યું હતું. ઇમિગ્રેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવાથી કોઈને ઍરપોર્ટ ટર્મિનલમાં જવા દેવામાં નહોતા આવતા. એને કારણે કલાકો સુધી પૅસેન્જરો પરેશાન થયા હતા.’ આ ઘટનાને પગલે ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ ઍર ઇન્ડિયાને કારણ બતાઓ નોટિસ મોકલીને પૅસેન્જરો સાથે કરવામાં આવેલી હેરાનગતિ બાબતે જવાબ માગ્યો હતો.