Air India: કર્મચારીઓનો બદલાશે યુનિફોર્મ? મનીષ મલ્હોત્રા આપશે ન્યુ લૂક!

01 October, 2023 05:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Air India: મનીષ મલ્હોત્રાએ ઍર ઈન્ડિયાના કર્મચારીઓ માટે નવા યુનિફોર્મ્સ ડિઝાઈન કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કર્મચારીઓની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવા માટે તેમની સાથે ચર્ચાઓ અને ફિટિંગ સત્રો હાથ ધરશે.

ઍર ઇન્ડિયા અને મનીષ મલ્હોત્રા

ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ઍર ઈન્ડિયાના કર્મચારીઓ માટે નવા યુનિફોર્મ્સ ડિઝાઈન કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મળતી માહિતી મુજબ હવે તેઓ ઍર ઇન્ડિયા (Air India)ના કર્મચારીઓની જરૂરિયાતોને સમજવા માટે ચર્ચા અને ફિટિંગ સત્રોનું આયોજન કરી રહ્યા છે. આ નવી ડિઝાઇન ઍર ઇન્ડિયાના તમામ કર્મચારીઓ માટે હશે જેમાં કેબિન ક્રૂ, કોકપિટ ક્રૂ, ગ્રાઉન્ડ અને સિક્યુરિટીનો સમાવેશ થાય છે.

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્ન માટે ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કપડાં ડિઝાઈન કર્યા હતા. મનીષ મલ્હોત્રા કપડાંની શાનદાર ડિઝાઇનિંગ માટે જાણીતા છે. સેલિબ્રિટીઓ માટે કપડા ડિઝાઈન કરનારા મનીષ મલ્હોત્રા હવે ઍર ઈન્ડિયાના કર્મચારીઓ માટે પણ નવો યુનિફોર્મ ડિઝાઈન કરવા જઈ રહ્યા છે. ટાટા ગ્રુપની કંપની ઍર ઈન્ડિયાએ તેના કર્મચારીઓ માટે નવા યુનિફોર્મ ડિઝાઇન કરવા માટે મનીષ મલ્હોત્રા સાથે કરાર કર્યા છે. 

મનીષ મલ્હોત્રા ઍર ઈન્ડિયા (Air India)ના 10,000થી વધુ કર્મચારીઓ માટે નવો ડ્રેસ એટલે કે યુનિફોર્મ ડિઝાઈન કરવા જઈ રહ્યા છે. ઍર ઈન્ડિયાએ 28 સપ્ટેમ્બરે મનીષ મલ્હોત્રા સાથેની આ ભાગીદારી વિશેની જાહેરાત કરી હતી. મળતી માહિતી અનુસાર નવી ડિઝાઇન ઍર ઇન્ડિયાના કર્મચારીઓ માટે હશે જેમાં કેબિન ક્રૂ, કોકપિટ ક્રૂ, ગ્રાઉન્ડ અને સિક્યોરિટી વગેરેને પણ સામેલ કરવામાં આવશે.

ઍરલાઈન્સ અનુસાર મનીષ મલ્હોત્રા અને તેમની ટીમે ઍર ઈન્ડિયાના ફ્રન્ટલાઈન કર્મચારીઓ સાથે મિટિંગ કરવાની શરૂ કરી દીધી છે. હવે તેઓની ટીમ ઍર ઇન્ડિયા (Air India)ના કર્મચારીઓની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવા માટે તેમની સાથે ચર્ચાઓ અને ફિટિંગ સત્રો હાથ ધરશે. તમને જણાવી દઈએ કે મનીષ મલ્હોત્રા ભારત સહિત દુનિયાભરની જાણીતી સેલિબ્રિટીઝ માટે ડ્રેસ ડિઝાઇન કરતાં હોય છે. 

મનીષ મલ્હોત્રાએ તો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ માટે પણ 1300 કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા હતા. અમેરિકન સિંગર અને ડાન્સર માઈકલ જેક્સન એક શો માટે મુંબઈ આવ્યા ત્યારે પણ મનીષ મલ્હોત્રાએ  તેના માટે આઉટફિટ ડિઝાઈન કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફ્લાઇટ એટેન્ડન્ટ્સ છેલ્લા 60 વર્ષથી પરંપરાગત ભારતીય પોશાક `સાડી` પહેરે છે. હવે આ જ પોષાકને આધુનિક આઉટફિટમાં કન્વર્ટ કરવાની યોજના ચાલી રહી છે. ઍર ઈન્ડિયા (Air India)ના જણાવ્યા અનુસાર કંપનીનો ઉદ્દેશ્ય વાઈબ્રન્ટ, બોલ્ડ અને પ્રગતિશીલ ભારત બતાવવાનો છે. ઍરલાઇન પર તેની બ્રાન્ડ, વારસો અને સંસ્કૃતિના તત્વોને શ્રેષ્ઠ રીતે પ્રતિબિંબિત કરવા માટે કંપની મનીષ મલ્હોત્રા સાથે કામ કરી રહી છે.

ઍર ઈન્ડિયા (Air India)ના જણાવ્યા અનુસાર ઍરલાઈન્સ દ્વારા આધુનિકીકરણના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આ નિર્ણય ઍર ઈન્ડિયા માટે વૈશ્વિક બ્રાન્ડ ઓળખ હાંસલ કરવામાં પણ એક પગલું આગળ વધશે. ઍર ઈન્ડિયા 2023ના અંત સુધીમાં તેના કર્મચારીઓને નવા ડિઝાઇનર ડ્રેસ આપશે.

 

air india manish malhotra national news india