midday

કેટલાકને સંસદમાં હંગામો કરવાની આદત : પીએમ

01 February, 2024 09:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્તમાન સરકારના છેલ્લા બજેટસત્ર પહેલાં વિપક્ષી સાંસદો પર નિશાન સાધતાં કહ્યું કે ચૂંટણી પછી જ સંપૂર્ણ બજેટ રજૂ કરીશું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી , નાણાં મંત્રી નિર્મલા સીથારમણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી , નાણાં મંત્રી નિર્મલા સીથારમણ

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ૧૮મી લોકસભા ચૂંટણી પહેલાં સંસદનું છેલ્લું સત્ર શરૂ થઈ ગયું છે. આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરવાનાં છે. બજેટસત્રની શરૂઆત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશ પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે અને આ સર્વાંગી વિકાસની યાત્રા લોકોના આશીર્વાદથી ચાલુ રહેશે. વડા પ્રધાને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીમાં પણ બીજેપી સત્તા જાળવી રાખશે. તેમણે જણાવ્યું હતું કે ‘ચૂંટણી પહેલાં સંપૂર્ણ બજેટ રજૂ ન કરવાની પરંપરા છે. અમે એ પરંપરાને અનુસરીને નવી સરકારની રચના થયા બાદ તમારી સમક્ષ સંપૂર્ણ બજેટ રજૂ કરીશું.’

પીએમ મોદીએ સંસદીય કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપ પાડવા બદલ વિપક્ષી સાંસદો પર નિશાન સાધતાં કહ્યું હતું કે હંગામો અને લોકશાહી-મૂલ્યોનું ઉલ્લંઘન કરવાની ટેવ ધરાવતા લોકોએ ચૂંટણી પહેલાંના છેલ્લા સત્રમાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ. જો આ સાંસદો તેમના સંસદીય મતવિસ્તારોમાં પૂછપરછ કરશે તો તેમને ખબર પડશે કે માત્ર હંગામો કે વિક્ષેપ ઊભો કરનારા લોકોને કોઈ યાદ નથી કરતું, પણ દેશના લોકશાહીપ્રેમી લોકોનો એક મોટો વર્ગ એ સાંસદોના વર્તનની પ્રશંસા જરૂર કરશે જેમના વિચારો અને પ્રતિભાથી સંસદને ફાયદો થયો હોય. તેમના શબ્દો ઇતિહાસનો ભાગ બની જશે.

નોંધનીય છે કે સંસદમાં વારંવાર હોબાળો મચાવવા બદલ લોકસભા અને રાજ્યસભાએ છેલ્લા સત્રમાં ૧૪૬ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. આ સાંસદોને ચેતવણી સાથે બજેટસત્રમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી છે.

national news narendra modi nirmala sitharaman union budget