વિપક્ષો લોકસભાના સ્પીકર સામે લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ

29 March, 2023 11:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધીને સંસદસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી અને ગૃહમાં પક્ષપાતભરી કાર્યવાહી કરતા હોવાનો ઓમ બિરલા સામે કરાયો આક્ષેપ

બજેટ સત્ર દરમ્યાન કાળા પોશાકમાં આવીને વિરોધ કરી રહેલા વિપક્ષના સભ્યો.

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. કૉન્ગ્રેસનાં સૂત્રો દ્વારા આ માહિતી મળી છે. રાહુલ ગાંધીની સદસ્યતા હટાવવા અને ગૃહમાં પક્ષપાતના આરોપસર લોકસભાના સ્પીકર સામે સોમવારે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવશે. સુરતની એક અદાલત દ્વારા ૨૦૧૯ના માનહાનિ મામલે દોષી જાહેર કરાયાના એક દિવસ બાદ શુક્રવારે જ રાહુલ ગાંધીને લોકસભાના સંસદસભ્ય તરીકે ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા. ચાર વખત સંસદસભ્ય રહેલા રાહુલ ગાંધી ગેરલાયક જાહેર થયા હોવાને કારણે આઠ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે, જ્યાં સુધી હાઈ કોર્ટ આ સજાના અમલને રોકે નહીં. આ મામલે કૉન્ગ્રેસ સહિત ઘણા વિપક્ષના સભ્યો સંસદમાં સતત કાગારોળ મચાવી રહ્યા છે અને સંસદની બહાર પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 

કૉન્ગ્રેસનો આરોપ

કૉન્ગ્રેસનો એવો આરોપ છે કે રાહુલ ગાંધી સામે કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કે બીજેપીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અદાણી મામલે સંસદમાં તેમનાં અગાઉનાં ભાષણોથી ડરી ગઈ છે. બીજી તરફ બીજેપીનું કહેવું છે કે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગેરલાયક ઠરાવવાનો નિર્ણય નિયમ મુજબ લેવામાં આવ્યો છે તેમ જ આ નિર્ણય સામે પ્રશ્ન ઊભો કરવા બંધારણ સામે પ્રશ્ન ઊભો કરવા સમાન છે. 

૧૮ વિપક્ષોએ કરી હતી બેઠક

વિપક્ષો બજેટ સત્રની શરૂઆતથી જ અદાણી ગ્રુપ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) બનાવવાની માગ કરી રહ્યા છે. અગાઉ ૧૮ વિપક્ષોએ મળીને એવો નિર્ણય કર્યો હતો કે તમામ લોકશાહીને બચાવવા માટે મળીને કામ કરશે તેમ જ અદાણી મામલે જેપીસીની માગણી કરવાનું ચાલુ જ રાખશે. 

આ પણ વાંચો: કૉન્ગ્રેસના ‘બ્લૅક’ વિરોધ-પ્રદર્શનમાં તૃણમૂલની સરપ્રાઇઝ એન્ટ્રી

કાળા પોશાકમાં આવ્યા 

ગઈ કાલે પણ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી, જેમાં વિપક્ષો કાળા રંગનાં કપડાં પહેરીને સંસદમાં આવ્યા હતા તેમ જ વિરોધ અને સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા, જેને કારણે ક્વેશ્ચન અવર પણ થઈ શક્યો નહોતો. ૧૩ માર્ચના રોજ બજેટ સત્રનું બીજું સેશન શરૂ થયું છે ત્યારથી જ વિપક્ષ અદાણી મામલે જેપીસીની માગ કરી રહ્યું છે, જેને કારણે ક્વેશ્ચન અવર થઈ શક્યો નથી.

રાહુલના કેસ પર અમેરિકાની નજર

નવી દિલ્હી : રાહુલ ગાંધીની સંસદસભ્ય તરીકેની સદસ્યતા રદ થવાના મામલે અમેરિકાના વિદેશ વિભાગના ઉપપ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે ‘અમે ભારતની કોર્ટમાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીના મામલે નજર રાખી રહ્યા છીએ. અમેરિકા ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત લોકતાં​િત્રક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા માટે ભારત સરકારની સાથે છે. 

બન્ને દેશો લોકશાહીને મજબૂત કરવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત લોકતંત્રના સિદ્ધાંતો અને માનવાધિકારોના સંરક્ષણના મહત્ત્વને સમજીએ છીએ.’ શુ અમેરિકા ભારત કે રાહુલ ગાંધી સાથે વાતચીત કરી રહ્યું છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આ મામલે મારી પાસે કહેવા જેવું કંઈ નથી, પરંતુ અમારા માટે કોઈ પણ દેશમાં વિપક્ષના સભ્યોને મળવું એક સામાન્ય વાત છે.’

રાહુલ ગાંધીના કેસ પર અમેરિકાની નજર

નવી દિલ્હી : રાહુલ ગાંધીની સંસદસભ્ય તરીકેની સદસ્યતા રદ થવાના મામલે અમેરિકાના વિદેશ વિભાગના ઉપપ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે ‘અમે ભારતની કોર્ટમાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીના મામલે નજર રાખી રહ્યા છીએ. અમેરિકા ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત લોકતાં​િત્રક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા માટે ભારત સરકારની સાથે છે. બન્ને દેશો લોકશાહીને 
મજબૂત કરવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત લોકતંત્રના સિદ્ધાંતો અને માનવાધિકારોના સંરક્ષણના મહત્ત્વને સમજીએ છીએ.’ શુ અમેરિકા ભારત કે રાહુલ ગાંધી સાથે વાતચીત કરી રહ્યું છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આ મામલે મારી પાસે કહેવા જેવું કંઈ નથી, પરંતુ અમારા માટે કોઈ પણ દેશમાં વિપક્ષના સભ્યોને મળવું એક સામાન્ય વાત છે.’

national news congress rahul gandhi Lok Sabha new delhi indian politics