midday

૧૯૭૫માં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી એ બંધારણ પર સૌથી મોટા અને સીધા હુમલાનો કાળો અધ્યાય હતો

28 June, 2024 02:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્પીકર બાદ સંસદનાં બન્ને ગૃહને સંબોધતાં રાષ્ટ્રપતિએ પણ કરી કટોકટીની નિંદા
ગઈ કાલે સંસદનાં બન્ને ગૃહોને સંયુક્ત સંબોધન કરવાના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

ગઈ કાલે સંસદનાં બન્ને ગૃહોને સંયુક્ત સંબોધન કરવાના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે સંસદનાં બન્ને ગૃહના સંસદસભ્યોને સંબોધતાં ઇમર્જન્સીના મુદ્દા પર પણ વાત કરી હોવાથી કૉન્ગ્રેસે નારાજગી દર્શાવી હતી. આ પહેલાં બુધવારે ૧૮મી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ ઇમર્જન્સીની નિંદા કરીને નીચલા ગૃહમાં બે મિનિટનું મૌન પાળવાનું કહ્યું હતું જેને લીધે બુધવારે સદનમાં ભારે હોબાળો મચ્યો હતો અને લોકસભાની કાર્યવાહી મોકૂફ રાખવી પડી હતી. આ બાબતે ગઈ કાલે કૉન્ગ્રેસે પત્ર લખીને ફરિયાદ પણ કરી હતી.

ગઈ કાલે રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં બંધારણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘આપણા દેશમાં બંધારણ પર ઘણી વાર હુમલો કરવામાં આવ્યો છે. ૧૯૭૫માં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી એ બંધારણ પર સૌથી મોટા અને સીધા હુમલાનો કાળો અધ્યાય હતો અને ત્યારે દેશમાં હાહાકાર મચી ગયો હતો, પણ આવી ગેરબંધારણીય તાકાતો સામે દેશે જીત હાંસલ કરી બતાવી, કારણ કે ભારતનાં મૂલ્યોમાં લોકતંત્રની પરંપરા રહી છે.’

આ સિવાય રાષ્ટ્રપતિએ સરકારના કામનાં વખાણ તેમ જ આગળના રોડ-મૅપની વાતો સંસદસભ્યો સમક્ષ મૂકી હતી.

રાષ્ટ્રપતિએ પેપર-લીક વિશે શું કહ્યું?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બન્ને ગૃહોને કરેલા સંબોધનમાં પેપર-લીકની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પેપર-લીક જેવી ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરીને દોષીઓને કડક સજા અપાવવા સરકાર પ્રતિબદ્ધ છે. આ પહેલાં પણ ઘણાં રાજ્યોમાં પેપર-લીકની ઘટનાઓ બની છે. આમાં પાર્ટી-પૉલિટિક્સ કરવાને બદલે દેશવ્યાપી ઉપાય કરવાની જરૂર છે.’

Rajya Sabha Lok Sabha droupadi murmu om birla national news