22 December, 2022 11:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કોરોનાની મહામારી બાબતે એક્સપર્ટ્સ અને અધિકારીઓ સાથેની રિવ્યુ મીટિંગ દરમ્યાન આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા. તસવીર એ.એન.આઇ.
નવી દિલ્હી : ચીનમાં કોરોનાના કેસોના વિસ્ફોટને કારણે ભારતમાં પણ સૌકોઈ સાવધ થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે આ મામલે એક ઉચ્ચસ્તરીય મીટિંગ બોલાવી હતી, જેમાં તેમણે અધિકારીઓને અલર્ટ રહીને કેસોનું ટ્રૅકિંગ વધારવા જણાવ્યું હતું.
મીટિંગ બાદ પ્રધાને ટ્વીટ કર્યું હતું કે ‘કોરોનાનો હજી અંત આવ્યો નથી. મેં સંબંધિત તમામ લોકોને અલર્ટ રહેવા અને ચેકિંગ કામગીરી વધારવાનો આદેશ આપ્યો છે.’ મીટિંગના ફોટોગ્રાફ્સમાં જોવા મળ્યું હતું કે આ પ્રધાન અને તમામ ટોચના અધિકારીઓએ સરકારી પ્રોટોકોલ હેઠળ અત્યારે જરૂરી ન હોવા છતાં માસ્ક પહેર્યું હતું.
આ મીટિંગમાં ઇન્ટરનૅશનલ અને નૅશનલ ઍરપોર્ટ્સ પરથી કોરોનાના પેશન્ટ્સની ઓળખ કરીને તેમને આઇસોલેટ કરીને આ મહામારીને આગળ વધતી રોકવા, વિદેશોમાંથી આવતા પૅસેન્જરો માટે ગાઇડલાઇન્સ લાગુ કરવા અને કોરોનાના નવા વેરિઅન્ટ બાબતે એક્સપર્ટ્સ પાસેથી માર્ગદર્શન મેળવવાની સ્ટ્રૅટેજી પર ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે કોવિડ પૉઝિટિવ કેસોનાં સૅમ્પલ્સને રોજેરોજ ઇન્સાકોગ જીનોમ સીક્વન્સિંગ લૅબ્સને મોકલવાં જોઈએ. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને લેટર લખીને જણાવ્યું હતું કે ‘જપાન, અમેરિકા, સાઉથ કોરિયા, બ્રાઝિલ અને ચીનમાં કેસોની સંખ્યા વધવાને કારણે વેરિઅન્ટ્સના ટ્રૅકિંગ માટે પૉઝિટિવ કેસોનાં સૅમ્પલ્સનું જીનોમ સીક્વન્સિંગ વધારવું જરૂરી છે.’
માસ્ક પહેરવા લોકોને અપીલ, મુસાફરોના રૅન્ડમ ટેસ્ટ થશે
આરોગ્યપ્રધાને ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા સહિત કોરોનાને ફેલાતો રોકવા માટેના નિયમોનું પાલન કરવા અને રસી મેળવવા માટે અપીલ કરી હતી. નીતિ આયોગના મેમ્બર (આરોગ્ય) ડૉ. વી. કે. પૉલે કહ્યું હતું કે ‘ગભરાવાની જરૂર નથી. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવો જોઈએ. જે લોકોને પહેલેથી જ અન્ય કોઈ ગંભીર બીમારીઓ છે તેમણે અને વૃદ્ધોએ ખાસ કાળજી રાખવી જોઈએ.’
ભલે દેશમાં એકંદર કોરોનાના કેસ ઘટી રહ્યા છે; પરંતુ કોવિડના નવા કેસ મુખ્યત્વે કેરલા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણ અને તામિલનાડુમાં આવી રહ્યા છે. ચીન અને અન્ય દેશોમાંથી આવતા મુસાફરોનાં ઍરપોર્ટ્સ પર કોરોનાના રૅન્ડમ ટેસ્ટ્સ કરવામાં આવશે.
129
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા.