08 January, 2023 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગૌતમ અદાણી
વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી (Gautam Adani)એ શનિવારે ઘણા સવાલોના જવાબ આપ્યા. એક મીડિયા ગ્રૂપને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે અદાણી ગ્રુપની સફળતા પાછળ વડાપ્રધાન મોદી (PM Narendra Modi)ની નિકટતાના સવાલ પર કહ્યું કે તે પાયાવિહોણી વાત છે. અમે 22 રાજ્યોમાં બિઝનેસ કરીએ છીએ. તમામ રાજ્યોમાં ભાજપ(Bhajap)ની સરકાર નથી. તેમણે કહ્યું કે, અદાણી જૂથ ડાબેરી શાસિત રાજ્ય કેરળ, મમતા દીદીના પશ્ચિમ બંગાળ, નવીન પટનાયકના ઓડિશા, જગનમોહન રેડ્ડીઝ અને કેસીઆરના રાજ્યમાં પણ બિઝનેસ કરે છે. અમને કોઈપણ રાજ્યમાં કોઈ સમસ્યા નથી.
અદાણીએ કહ્યું, હું તમને કહેવા માંગુ છું કે તમે વડાપ્રધાન મોદીની અંગત મદદ ન લઈ શકો. તમે તેમની સાથે રાષ્ટ્રીય નીતિઓ પર વાત કરી શકો છો, પરંતુ જ્યારે નીતિઓ બનાવવામાં આવે છે, ત્યારે તે દરેક માટે હોય છે, માત્ર અદાણી જૂથ માટે જ નહીં.
હું ધંધો કરું છું, રાહુલ ગાંધી રાજકારણ
ઇન્ટરવ્યુ દરમિયાન ગૌતમ અદાણીએ રાહુલ ગાંધી દ્વારા વારંવાર કરવામાં આવેલા આરોપો પર પણ સ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી એક આદરણીય નેતા છે અને તેઓ પણ દેશની પ્રગતિ ઈચ્છે છે. તેમણે કહ્યું, હું તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપોને માત્ર રાજકીય નિવેદનો માનું છું અને આ બાબતોને ગંભીરતાથી લેતો નથી. તેમણે કહ્યું, રાહુલ ગાંધીએ રાજકીય પક્ષ ચલાવવો છે, તેમની વિચારધારાની લડાઈ છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો છે. હું એક સામાન્ય ઉદ્યોગપતિ છું અને મારું કામ કરું છું, જ્યારે રાહુલ ગાંધી પોતાના હિસાબે કામ કરે છે.
આ પણ વાંચો:Maharashtra:હિંગોલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, 3.6ની તીવ્રતા સાથે ધ્રુજી ધરતી
મુકેશ ભાઈ મારા ખૂબ સારા મિત્ર
ગૌતમ અદાણીએ દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અંગે પણ જવાબો આપ્યા હતા. તેમણે કહ્યું, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક તેમના પિતા ધીરુભાઈ અમારા માટે એક આદર્શ અને પ્રેરણા છે. તેમનો દીકરો મુકેશ અંબાણી મારો ખૂબ સારો મિત્ર છે અને હું તેમનો ખૂબ જ આદર કરું છું. દેશની પ્રગતિમાં તેમનું ઘણું યોગદાન છે. તેમણે રિલાયન્સને તેમના પેટ્રોકેમિકલના બિઝનેસ સિવાય જીઓ, ટેક્નોલોજી, રિટેલ સેક્ટર સાથે નવી દિશા આપી છે.
આવનારા વર્ષોમાં ભારત વિશ્વને ચોંકાવી દેશે
અદાણીએ કહ્યું કે, મારા બિઝનેસના આંકડા એટલા માટે વધ્યા છે કારણ કે દેશ પ્રગતિના માર્ગ પર છે. આજથી 20-30 વર્ષ પછી ભારત જે સ્થિતિમાં હશે તે દુનિયાને ચોંકાવી દેશે. તેમણે કહ્યું, ભારતની પ્રગતિને હવે કોઈ રોકી શકશે નહીં.