10 February, 2023 10:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળની એક કમિટીની રચના કરવા કેન્દ્ર સરકારને આદેશ આપવાની માગણી કરતી એક અરજી પર આજે સુનાવણી હાથ ધરવા માટે સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીની વિરુદ્ધ અનેક આરોપો મૂકવામાં આવ્યા છે.
અરજી કરનારા ઍડ્વોકેટ વિશાલ તિવારીએ ગઈ કાલે ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ મામલાને તાત્કાલિક લિસ્ટિંગ કરવાની માગણી કરી હતી.
તિવારીએ બેન્ચને જણાવ્યું હતું કે ‘આ મુદ્દે દાખલ કરવામાં આવેલી અન્ય એક અરજી આજે સુનાવણી માટે લિસ્ટેડ છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે દેશની છબિને નુકસાન પહોંચ્યું છે અને ખૂબ જ મોટું નુકસાન થયું છે.’
આ જાહેર જનહિતની અરજીમાં તિવારીએ જાયન્ટ કૉર્પોરેટ્સને આપવામાં આવતી ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમની લોન માટે મંજૂરીની પૉલિસી પર દેખરેખ માટે એક વિશેષ સમિતિની રચના કરવાની પણ માગણી કરવામાં આવી છે.
ગયા અઠવાડિયામાં ઍડ્વોકેટ એમ. એલ. શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં નિર્દોષ રોકાણકારોના શોષણ તેમ જ માર્કેટમાં અદાણી ગ્રુપના સ્ટૉક્સમાં કૃત્રિમ રીતે કડાકો બોલાવા બદલ અમેરિકા સ્થિત ગ્રુપ હિંડનબર્ગ રિસર્ચના શૉર્ટ-સેલર નાથન એન્ડરસન તેમ જ ભારત અને અમેરિકામાં તેના સાથીઓની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી.