02 March, 2023 08:35 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પ્રયાગરાજમાં ગઈ કાલે ઉમેશ પાલ મર્ડર-કેસના આરોપીની પ્રૉપર્ટીનું ડિમોલિશન કરી રહેલો પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઑથોરિટીનો સ્ટાફ.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં હત્યાના એક સાક્ષીની ધોળા દિવસે સનસનાટીભરી હત્યાના દિવસો બાદ ગૅન્ગસ્ટર અતિક અહેમદના ખાસ સાથીના ઘરે બુલડોઝર્સની ઍક્શન જોવા મળી હતી. અતિક પર આ હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. અતિકનો ખાસ સાગરીત મનાતા ઝફર અહેમદના ઘરે બુલડોઝર ફરી વળ્યું હતું. જેના પછી સોશ્યલ મીડિયા પર ‘બાબા કા બુલડોઝર’ની ચર્ચા થઈ રહી છે.
પ્રયાગરાજમાં શુક્રવારે એક રાજકારણીની ૨૦૦૫માં થયેલી હત્યાના સાક્ષી લૉયર ઉમેશ પાલની તેના ઘરની બહાર જ ગોળીબારમાં હત્યા કરવામાં આવી હતી. પાંચ હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા આ અંધાધૂંધ ગોળીબારમાં તેમનો સિક્યૉરિટી ગાર્ડ પણ માર્યો ગયો હતો.
ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનનારા અને સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અતિક અહેમદ દ્વારા આ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું પોલીસ જણાવી રહી છે.
ઉમેશ પાલ બહુજન સમાજ પાર્ટીના વિધાનસભ્ય રાજુ પાલની હત્યાનો સાક્ષી હતો. રાજુ પાલ અતિકનો કટ્ટર હરીફ હતો. પોલીસનો આરોપ છે કે અતિકે આ સાક્ષીની હત્યા કરવા માટે તેના પાંચથી છ સાગરીતોને મોકલ્યા હતા. અતિક અત્યારે અમદાવાદની જેલમાં કેદ છે.