પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કાઢશે ૯ દિવસની ભગવા-એ-હિન્દ યાત્રા

05 November, 2024 09:36 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

હિન્દુઓ નાત-જાતનો ભેદ ભૂલીને એક થાય એ ઉદ્દેશ : મધ્ય પ્રદેશમાં ૨૧ નવેમ્બરે બાગેશ્વરધામથી શરૂ થઈને ૨૯ નવેમ્બરે ઓરછાધામ પહોંચનારી આ વિશાળ પદયાત્રામાં લાખો સનાતનીઓ જોડાશે

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

ગજવા-એ-હિન્દ એટલે કે ભારતના ઇસ્લામીકરણના અભિયાનના મુકાબલા માટે બાગેશ્વરધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ૨૧થી ૨૯ નવેમ્બર વચ્ચે મધ્ય પ્રદેશમાં બાગેશ્વરધામથી ઓરછા સુધીની નવ દિવસની ભગવા-એ-હિન્દ પદયાત્રા કાઢવાના છે અને એમાં લાખો સનાતનીઓ જોડાય એવી શક્યતા છે.

હિન્દુઓને એકજૂટ થવા માટે હાકલ કરનારા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ પદયાત્રા પહેલાં ભગવા-એ-હિન્દની માગણી કરીને બધાને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું હતું કે એ લોકો પહેલાં ગજવા-એ-હિન્દની માગણી કરતા હતા અને એની સામે કોઈને વિરોધ નહોતો, પણ અમે ભગવા-એ-હિન્દ માગી લીધું તો તેમને એનો વિરોધ છે; આખા દેશના હિન્દુઓને એકત્ર કરવા માટે અમે યાત્રા પર નીકળી રહ્યા છીએ.

ધીરેન્દ્ર શાસ્ત્રી ૨૧ નવેમ્બરથી ૨૯ નવેમ્બર વચ્ચે બાગેશ્વરધામથી ૧૬૦ કિલોમીટર દૂર આવેલા ઓરછાધામ સુધીની પદયાત્રા કરવાના છે અને એનો ઉદ્દેશ હિન્દુઓને એકત્રિત કરવાનો છે. આ પદયાત્રાના મુદ્દે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે હું આ પદયાત્રામાં લાખો સનાતનીઓને મળવાનો છું અને નાત-જાતમાં વિભાજિત આ લોકોને હું એકજૂટ થવા અપીલ કરીશ.

આ મુદ્દે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ‘અમે આખા દેશના હિન્દુઓને એકત્ર કરવાનું વિચાર્યું છે. એના માટે પદયાત્રા કાઢી રહ્યો છું. આપણને નાત-જાતના ભેદભાવ મિટાવવાના છે અને ભારતને ભવ્ય બનાવવાનું છે. અબ કરો કી હૈ તૈયારી, યા મરો કી હૈ બારી.’

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બંગલાદેશમાં સત્તાપરિવર્તન બાદ બટેંગે તો કટેંગે કહીને જે વાત કરી છે એને ધીરેન્દ્ર શાસ્ત્રીએ સમર્થન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે ‘હિન્દુઓએ એકજૂટ થવાનો સમય આવી ગયો છે. જો અલગ-અલગ રહેશો તો તૂટી જશો, પણ સાથે રહેશો તો તેમની નાની યાદ કરાવી દેશો. તેઓ હિન્દુઓને તોડી નહીં શકે.’

૧૧ પરિવારોની ઘરવાપસી

છત્તીસગઢના કાંકેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે ૧૧ પરિવારોએ ધર્મવાપસી કરી હતી. હિન્દુ ધર્મને છોડીને અન્ય ધર્મમાં જતા રહેલા આ પરિવારોએ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે હિન્દુ ધર્મ અપનાવી લીધો હતો. કાંકેરના સંસદસભ્ય ભોજરાજ નાગ અને વિધાનસભ્ય આશારામ નેતામે આ પરિવારોના પગ ધોવડાવીને તેમની ઘરવાપસી કરાવી હતી.

સનાતન પર સંગ્રામ

આંધ્ર પ્રદેશમાં જનસેના પાર્ટીના અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે સનાતન ધર્મના બચાવ માટે લડવા પાર્ટીની અંદર જ ‘નરસિંહ વારાહી બ્રિગેડ’ સ્થાપવાની જાહેરાત કરી છે. આ બ્રિગેડનો ઉદ્દેશ આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં સનાતન ધર્મની રક્ષા કરવાનો છે.

૧૬ નવેમ્બરે દિલ્હીમાં યોજાશે વિશાળ સનાતન ધર્મસંસદ

ઉત્તર પ્રદેશના મથુરામાં સનાતન ધર્મસંસદની બેઠક યોજાઈ હતી, જેનું નેતૃત્વ દેવકીનંદન ઠાકુરે કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ૧૬ નવેમ્બરે દિલ્હીમાં વિશાળ સનાતન ધર્મસંસદ યોજાશે અને એમાં સનાતન બોર્ડનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. તેમણે ઉપસ્થિત સભ્યોને દિલ્હીમાં થનારી બેઠકમાં ભાગ લેવાની પણ અપીલ કરી હતી. આ બેઠક વિશે જાણકારી આપતાં દેવકીનંદન ઠાકુરે કહ્યું હતું કે ‘આપણે એકજૂટ થઈને આપણાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોની રક્ષા કરવી જોઈએ. કૃષ્ણજન્મભૂમિ, સનાતન બોર્ડનું નિર્માણ અને તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબી મિલાવવાની ઘટનાઓ બાબતે સખત પગલાં લેવાની જરૂર છે. સનાતન બોર્ડનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.’

dhirendra shastri bageshwar baba hinduism madhya pradesh national news