28 July, 2024 07:34 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
અમરનાથ ગુફા
ઇન્ટેલિજન્સ એજન્સીઓને જાણકારી મળી છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ખાલિસ્તાની આતંકવાદી ગ્રુપ બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલની સાથે મળીને અમરનાથ યાત્રાના તીર્થયાત્રીઓને નિશાન બનાવવાનું ષડ્યંત્ર રચી રહી છે.
મળતી માહિતી જણાવે છે કે ISI અમરનાથ યાત્રા ખોરવી નાખવા માટે પ્લાન બનાવે છે. આ માટે એ પંજાબનાં ગૅન્ગસ્ટર ગ્રુપો, આતંકવાદી ગ્રુપો અને રૅડિકલ ગ્રુપોનો સાથ મેળવી રહી છે. આ સિવાય ISI બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલનો ઉપયોગ પંજાબ અને દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ અને હિન્દુ ધર્મના નેતાઓને ટાર્ગેટ બનાવવા કરી રહી છે.
થોડા સમય પહેલાં જૂન મહિનામાં પઠાણકોટના એક ગામમાં શંકાસ્પદ આતંકવાદીઓ આધુનિક હથિયારોથી સજ્જ થઈને આવ્યા હોવાની જાણકારી ઇન્ટેલિજન્સ વિભાગને મળી હતી. સાત શકમંદો જોવામાં આવતાં સર્ચ-ઑપરેશન હાથ ધરાયું હતું.
પંજાબમાં એક હિન્દુ ધાર્મિક નેતાને ખાલિસ્તાન સાથે સંબંધિત ગ્રુપ તરફથી ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ કેસમાં પંજાબ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. અમરનાથ યાત્રા શરૂ થયાના ૨૮ દિવસમાં ૪ લાખ ભાવિકોએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં છે. અમરનાથ ગુફા સમુદ્રની સપાટીથી ૩૮૮૮ મીટર ઊંચે આવેલી છે.