09 December, 2024 12:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પોસ્ટર
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 : ધ રૂલ’ ફિલ્મે આખા દેશને ઘેલું લગાવ્યું છે ત્યારે આ ફિલ્મની પૉપ્યુલરિટીનો ફાયદો લેવામાં આમ આદમી પાર્ટી (AAP) પણ બાકાત નથી રહી. ગઈ કાલે એણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટર રિલીઝ કર્યું હતું. ‘પુષ્પા 2 : ધ રૂલ’ના આ પોસ્ટરમાં AAPએ અરવિંદ કેજરીવાલની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે: આ રહા હૈ કેજરીવાલ.
બે મહિના બાદ થનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ પોસ્ટર તેમના ચૂંટણીપ્રચારનો ભાગ બનશે એવું અત્યારે લાગી રહ્યું છે. AAP ચોથી વાર દિલ્હી કબજે કરવા અત્યારથી જ જોર લગાવી રહી છે.
ફિલ્મના પોસ્ટર અને AAPના પોસ્ટરમાં એટલો જ ફરક છે કે મૂવીના પોસ્ટરમાં અલ્લુ અર્જુનને બંદૂક સાથે બતાવવામાં આવ્યો છે, જ્યારે AAPના પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને ઝાડુ સાથે બતાવવામાં આવ્યા છે. જે રીતે ફિલ્મમાં હીરો મૈં ઝુકેગા નહીં કહેતો જોવા મળે છે એ જ રીતે AAPએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે અરવિંદ કેજરીવાલ ઝુકેગા નહીં.