22 April, 2023 09:28 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહે (Sanjay Singh) શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓને માનહાનિની નોટિસ મોકલી છે. આ નોટિસ ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રા અને કથિત એક્સાઇઝ કૌભાંડ કેસની તપાસ કરી રહેલા તપાસ અધિકારી જોગેન્દ્રને મોકલવામાં આવી છે. સંજય સિંહે અધિકારીઓને 48 કલાકની અંદર માફી માગવા કહ્યું છે અથવા કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દાવો કર્યો છે કે, “EDએ ચાર્જશીટમાં મારું નામ ખોટી રીતે આપ્યું છે. કોઈ સાક્ષીએ મારું નામ લીધું નથી. તેમ છતાં આ કેસમાં મારું નામ એ સંકેત છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મને બદનામ કરવાના કાવતરાના ભાગરૂપે મારું નામ તેની ફરિયાદમાં મૂક્યું છે, જ્યારે મારી વિરુદ્ધ કોઈ સાક્ષી કે પુરાવા નથી.
કેસ દાખલ કરવાની ચેતવણી આપી
વાસ્તવમાં, AAP નેતા સંજય સિંહે ગુરુવારે કહ્યું હતું કે તેઓ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ચાર્જશીટમાં નામો સહિત ‘બનાવટી’ રીતે ED અધિકારીઓ સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરશે.
ED કોર્ટને ગેરમાર્ગે દોરવા પર ઝુક્યું: CM કેજરીવાલ
આ મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે, “ED AAP નેતાઓને ફસાવવા માટે ત્રાસ આપવા સહિત દરેક યુક્તિ અપનાવવા તૈયાર છે. AAPના નેતાઓ અને તેમની સાથે જોડાયેલા લોકો પર દબાણ કરીને ખોટા નિવેદનો લેવામાં આવી રહ્યા છે.”
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ખાલી કર્યો બંગલો: કૉંગ્રેસના નેતાઓએ આ રીતે આપ્યું સમર્થન
સંજય સિંહના કેસમાં, તેમણે કહ્યું કે, “જે વ્યક્તિના નિવેદનના આધારે EDએ તેની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ આપ્યું છે, તેણે ચાર્જશીટમાં ED દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રીતે તેના નિવેદનમાં કંઈ કહ્યું નથી. ઈડીએ ચાર્જશીટમાં કંઈક બીજું જ જણાવ્યું છે. એટલું જ નહીં, EDએ ચાર્જશીટમાં કહ્યું કે મનીષ સિસોદિયાએ ફોન તોડ્યા, જ્યારે તેમના ફોન EDની કસ્ટડીમાં છે. વાસ્તવિકતા એ છે કે ED ખોટા પુરાવા રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવા માગે છે.”