03 April, 2024 09:08 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સંજય સિંહ
આમ આદમી પાર્ટી (AAP)ના સંસદસભ્ય સંજય સિંહ છ મહિનાના જેલવાસ બાદ મુક્ત થશે. મંગળવારે સુપ્રીમ કોર્ટે તેમને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમ્યાન બેન્ચે પૂછ્યું હતું કે સંજય સિંહ ૬ મહિના જેલમાં વિતાવી ચૂક્યા છે, શું તેમને હજી જેલમાં રાખવાની જરૂર છે? આ સવાલની સામે અેન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ સંજય સિંહના જામીન સામે કોઈ વાંધો નહીં હોવાનું જણાવ્યું હતું. એ પછી બેન્ચે જામીન મંજૂર કર્યા હતા. EDએ ગયા વર્ષે ૪ ઑક્ટોબરે સંજય સિંહની અરેસ્ટ કરી હતી.
કેજરીવાલને ઘરે બનાવેલી રસોઈની મંજૂરી
હાલ તિહાડ જેલમાં કેદ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ડાયાબિટીઝના દરદી હોવાથી તેમને ઘરનું ભોજન મગાવવાની મંજૂરી આપવામાં આવી છે.
કેજરીવાલને અલગ સેલ આપવામાં આવ્યો છે, જ્યાં તેમને ત્રણ પુસ્તક રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
ડાયાબિટીઝ હોવાથી કેજરીવાલ પોતાની પાસે શુગર-સેન્સર, ગ્લુકોમીટર તથા ઇસબગુલ તથા ગ્લુકોઝ રાખે છે.
જેલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મર્યાદિત સુવિધાઓ છતાં કેજરીવાલે કોઈ ફરિયાદ કરી નહોતી.
અતિશીનો દાવો : મને BJP જૉઇન કરવાની ઑફર મળી હતી
દરમ્યાન AAPનાં સિનિયર નેતા અને દિલ્હી સરકારનાં પ્રધાન અતિશીએ મંગળવારે એવો દાવો કર્યો હતો કે BJPના સિનિયર નેતાએ તેમને પાર્ટીમાં સામેલ થઈને રાજકીય કારકિર્દી બચાવી લેવાની ઑફર કરી હતી. જો તેઓ આમ નહીં કરે તો એક મહિનામાં ED તેમની અરેસ્ટ કરશે એવું પણ કહેવાયું હોવાનો દાવો અતિશીએ કર્યો હતો. જોકે દિલ્હી BJPના વડા વીરેન્દ્ર સચદેવાએ અતિશીને પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો હતો. વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે જો અતિશી પુરાવા નહીં આપે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જોકે અતિશીએ એમ પણ કહ્યું કે આગામી બે મહિનામાં ‘BJPના ઇશારે’ દિલ્હી સરકારના પ્રધાન સૌરભ ભારદ્વાજ, AAPના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢા અને પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠકની પણ અરેસ્ટ કરવામાં આવી શકે છે.