12 January, 2023 10:03 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
સરકારી જાહેરાતો (Government Ads)ની આડમાં રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવા બદલ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ને રૂા. 163.62 કરોડની વસૂલાતની નોટિસ પાઠવવામાં આવી છે. સૂત્રોએ ગુરુવારે આ જાણકારી આપી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે AAP પાસેથી રૂા. 97 કરોડની વસૂલાત કરવાનો નિર્દેશ આપ્યાના એક મહિના બાદ આ મોટો બદલાવ થયો છે.
મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે “માહિતી અને પ્રચાર નિર્દેશાલય (DIP) દ્વારા જાહેર કરાયેલ વસૂલાત નોટિસમાં રકમ પર વ્યાજનો સમાવેશ થાય છે અને દિલ્હીમાં સત્તારૂઢ AAPને 10 દિવસની અંદર સમગ્ર રકમ ચૂકવવાનું ફરજ પાડવામાં આવી છે. જો AAP કન્વીનર આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના અગાઉના આદેશ મુજબ પાર્ટીની મિલકતો જપ્ત કરવા સહિતની તમામ કાનૂની કાર્યવાહી સમયબદ્ધ રીતે કરવામાં આવશે.”
આમ આદમી પાર્ટીને આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2016-2017માં સરકારી જાહેરાતોના નામે રાજકીય જાહેરાતો છાપવા માટે સરકારી પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે આ જાહેરાતો સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે. દિલ્હી સરકારના માહિતી અને પ્રસારણ નિર્દેશાલયે કહ્યું છે કે જો નિર્ધારિત સમયની અંદર પૈસા જમા નહીં થાય તો નિયમો અનુસાર જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોને ટાંકીને, એવું પણ કહેવામાં આવ્યું છે કે વિભાગ દીન દયાલ ઉપાધ્યાય માર્ગ સ્થિત આમ આદમી પાર્ટીના મુખ્યાલયને સીલ કરી શકે છે.
આ નોટિસ તેમને માહિતી અને પ્રસારણ નિર્દેશાલયના સચિવ દ્વારા પાઠવવામાં આવી છે, જેમાં 10 દિવસમાં રકમ ચૂકવવાની ફરજ પાડવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે “જો તમારો સંયોજક આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તમારી મિલકત જપ્ત કરવા સહિત, અન્ય તમામ કાનૂની પગલાં લેવામાં આવી શકે છે.”
જો કે હજુ સુધી આમ આદમી પાર્ટી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અગાઉ, AAPએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ભારતીય જનતા પાર્ટીના ઈશારે આમ આદમી પાર્ટીને રિકવરી નોટિસ મોકલી રહ્યા છે અને એવો દાવો પણ કર્યો હતો કે આવી સત્તા LG પાસે નથી.
19 ડિસેમ્બરના રોજ જારી કરાયેલા તેના આદેશમાં, માહિતી અને પ્રસારણ નિર્દેશાલયે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને રૂા. 163.62 કરોડની રિકવરી નોટિસ આપી હતી. અધિકારીઓનું કહેવું છે કે તેમાં 99.31 કરોડની મુદ્દલ રકમ અને 64.31 કરોડ વ્યાજનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સ્પાઈસજેટે દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને એરોબ્રિજમાં પૂરી દીધા, વીડિયો થયો વાયરલ
સૂત્રોને ટાંકીને, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડીઆઈપી અને ઈરાકી એડવર્ટાઈઝિંગ એજન્સી શબ્દાર્થ દ્વારા 31 માર્ચ, 2017 પછી પ્રકાશિત કરવામાં આવેલી તમામ જાહેરાતોનું ઑડિટ કરવા માટે એક ટીમને નિયુક્ત કરવામાં આવે.