04 May, 2024 08:25 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટીએ દિલ્હી માટે 40 સ્ટાર કેમ્પેનર્સનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, તેમની પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન સહિત અનેક નેતાઓના નામ સામેલ છે.
Aam Aadmi Party Reveals Star Campaigners List: લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટીએ દિલ્હી અને હરિયાણા માટે 40 સ્ટાર કેમ્પેનર્સનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, તેમની પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, પાર્ટી નેતા મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સાંસદ સંજય સિંહ, રાઘવ ચડ્ઢા, દિલ્હીના મંત્રી ગોપાલ રાય, આતિશી, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, દિલ્હીના મેયર શેલી ઓબેરૉય સહિત અન્ય નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે.
સુનીતા કેજરીવાલે ચૂંટણી માટે પાર્ટીના પ્રચારની જવાબદારી સંભાળી લીધી છે. તે દિલ્હી અને ગુજરાતમાં પાર્ટીના લોકસભા ઉમેદવારોના સમર્થનમાં રોડ શૉ કરી રહ્યાં છે. તાજેતરમાં તેમણે પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને ગુજરાતના ભરૂચ અને ભાવનગર મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે રોડ શૉ કર્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું કે સુનીતા કેજરીવાલ દક્ષિણ દિલ્હી સીટ પરથી AAP ઉમેદવાર સાહી રામ પહેલવાનના સમર્થનમાં રવિવારે રોડ શૉ કરશે. તે પંજાબ અને હરિયાણામાં રોડ શૉ પણ કરશે. ચૂંટણીના સ્ટાર પ્રચારકોમાં રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. રાઘવ ચઢ્ઢા હાલ આંખની સારવાર માટે વિદેશમાં છે. આ યાદીમાં રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ સંગઠન સંદીપ પાઠકની સાથે આતિશી, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત પણ સામેલ છે. (Aam Aadmi Party Reveals Star Campaigners List)
દિલ્હીમાં AAP લોકસભાની 7માંથી 4 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. આમ આદમી પાર્ટી હરિયાણાની કુરુક્ષેત્ર અને ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક પરથી પણ ચૂંટણી લડી રહી છે. જો કે, દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન હોવા છતાં, આમ આદમી પાર્ટી પંજાબની તમામ લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી દરમ્યાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને જણાવ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા વિચારી શકાય છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મુદ્દે વિચારણા કરીને ૭ મેના રોજ પોતાનો જવાબ રજૂ કરવા EDને નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દિપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે શક્ય છે કે કેજરીવાલને અમે જામીન આપીએ અને ન પણ આપીએ, પણ આ મુદ્દે અમે તમારું (EDનું) વલણ શું રહેશે એ પણ જાણવા માગીશું. દિલ્હીની આબકારી નીતિ વિશેના મની લૉન્ડરિંગના કેસમાં EDએ ૨૧ માર્ચના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.