20 August, 2023 09:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંઘી અને અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી ઃ આમ આદમી પાર્ટી અને કૉન્ગ્રેસ વચ્ચે વધુ એક વખત ગઈ કાલે તનાવ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે કૉન્ગ્રેસની ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે છત્તીસગઢમાં સરકારી સ્કૂલોની ‘અત્યંત ખરાબ ક્વૉલિટી’ છે.
કેજરીવાલે આ દાવો કર્યો એના પછી તરત જ કૉન્ગ્રેસના લીડર પવન ખેડાએ છત્તીસગઢની દિલ્હી સાથેની સરખામણી કરવાને લઈને કેજરીવાલને સવાલ કર્યો હતો અને જણાવ્યું હતું કે છત્તીસગઢમાં આ પહેલાંની રમણ સિંહ સરકારની સાથે સરખામણી કરવી જોઈતી હતી.
એકબીજા પર આ શાબ્દિક પ્રહારથી નવા રચાયેલા ઇન્ડિયા ગઠબંધનની એકતાને લઈને સવાલો થઈ રહ્યા છે, કેમ કે આમ આદમી પાર્ટી અને કૉન્ગ્રેસ બન્ને એના સભ્યો છે. કેજરીવાલે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક જનસભામાં કહ્યું હતું કે ‘અહીં આવતાં પહેલાં હું એક રિપોર્ટ વાચી રહ્યો હતો. સરકારી સ્કૂલોની ખૂબ જ ખરાબ દશા છે. અનેક સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે, જ્યારે બીજી સ્કૂલોમાં દસ ધોરણ માટે માત્ર એક ટીચર છે. અનેક ટીચર્સને મહિનાઓથી સૅલરી મળ્યો નથી.’