05 October, 2024 09:19 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
આ છે ઠગ-કપલ રશ્મિ દુબે અને રાજીવ કુમાર દુબે.
ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં રિવાઇવલ વર્લ્ડ નામનું સેન્ટર ખોલીને ઇઝરાયલથી મગાવવામાં આવેલા મશીન દ્વારા ઑક્સિજન થેરપી મેળવીને ૬૦ વર્ષની ઉંમરે પચીસ વર્ષના યુવાન જેવા દેખાઈ શકો એવો દાવો કરીને એક યંગ કપલે લોકો સાથે ૩૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ કપલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે આ કપલ હાલમાં વિદેશ ભાગી ગયું હોવાનું જાણવા મળે છે.
ભાડાના મકાનમાં રહેતું હતું
ઑક્સિજન થેરપીથી ઉંમર ઘટી શકે એવો દાવો કરતું આ સેન્ટર ભાડાની દુકાનમાં ખોલવામાં આવ્યું હતું અને આ કપલ પણ ભાડાના મકાનમાં રહેતું હતું.
શું છે નામ?
રાજીવ કુમાર દુબે અને તેની પત્ની રશ્મિ દુબેએ આ ઑક્સિજન થેરપી સેન્ટર ખોલ્યું હતું અને તેમણે દાવો કર્યો હતો કે હાલમાં જે હવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એના કારણે યુવાનો પણ જલદી ઘરડા દેખાય છે, પણ તેમના રિવાઇવલ વર્લ્ડ સેન્ટરમાં જો તેઓ ઇઝરાયલથી ઇમ્પોર્ટ કરાયેલા મશીન દ્વારા ઑક્સિજન થેરપી મેળવશે તો ૬૦ વર્ષનો માણસ પણ પચીસ વર્ષના યુવાન જેવો દેખાઈ શકશે.
વિવિધ પૅકેજ આપ્યાં
મહિનાઓમાં જ યુવાન જેવા દેખાઈ શકશો એવી લાલચ સાથે આ કપલે થેરપી માટે વિવિધ પૅકેજ ઑફર કર્યાં હતાં અને એમાં ૧૦ સેશન માટે ૬૦૦૦ રૂપિયાથી લઈને ત્રણ વર્ષના પૅકેજનો દર ૯૦,૦૦૦ રૂપિયા રાખ્યો હતો. યુવાન દેખાવાનું લોકોને ગમતું હોવાથી સેંકડો લોકો આ લાલચનો શિકાર બન્યા હતા અને તેમણે યુવાન દેખાવા માટે વિવિધ પૅકેજ ખરીદ્યાં હતાં.
લોકોનો ભ્રમ ભાંગ્યો
મહિનાઓ સુધી થેરપી લીધા બાદ પણ કોઈ ફરક દેખાતો ન હોવાથી લોકોએ આ થેરપી સામે ફરિયાદો શરૂ કરી દીધી હતી અને એથી એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કોણે ફરિયાદ કરી?
આ કેસમાં વિગતો આપતાં સિનિયર પોલીસ-અધિકારી અંજલિ વિશ્વકર્માએ કહ્યું હતું કે ‘અસંખ્ય લોકો સાથે છેતરપિંડી થઈ છે. એક ફરિયાદી રેણુ સિંહે જણાવ્યું હતું કે તેની સાથે ૧૦.૭૫ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેનો દાવો છે કે આ કપલે સેંકડો લોકોને ફસાવ્યા છે અને આશરે ૩૫ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. અમે રેણુ સિંહની ફરિયાદના આધારે કપલ સામે ગુનો નોંધ્યો છે, તેઓ હાલમાં ફરાર છે અને કદાચ વિદેશ ભાગી ગયાં છે.