13 April, 2023 12:19 PM IST | Bengaluru | Gaurav Sarkar
એચ. ડી. કુમારસ્વામી તસવીર મિડ-ડે
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને જેડી(એસ)ના નેતા એચ. ડી. કુમારસ્વામીએ સોમવારે ચૂંટણીમાં વચનોની લહાણી કરતાં ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરનારી મહિલાને તેમના પક્ષ તરફથી બે લાખ રૂપિયા મળશે એમ જણાવ્યું હતું. એચ. ડી. કુમારસ્વામી કોલારમાં પંચરત્ન રૅલીને સંબોધન કરી રહ્યા હતા, તે વેળાએ ઉપરોક્ત જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે ખેડૂતોનાં બાળકોનાં લગ્નને પ્રોત્સાહન આપવા સરકારે તેમની સાથે લગ્ન કરનારી યુવતીઓને બે લાખ રૂપિયા આપવા જોઈએ. એચ. ડી. કુમારસ્વામીએ કહ્યું હતું કે ‘અમને એવી અરજી મળી હતી કે યુવતીઓ ખેડૂતના પુત્રો સાથે લગ્ન કરવા તૈયાર નથી હોતી. ખેડૂતોના પુત્રોનાં લગ્નને પ્રોત્સાહન આપવા સરકારે તેમની સાથે લગ્ન કરનારી યુવતીઓને બે લાખ રૂપિયા આપવા જોઈએ. આ એક કાર્યક્રમ છે, જે આપણા ખેડૂતોના પુત્રોનું સ્વમાન જાળવવા માટે શરૂ કરવામાં આવ્યો છે.’
રાજ્યમાં ૧૦ મેએ એક તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેનું પરિણામ ૧૩ મેએ જાહેર કરાશે. ૨૨૪ સભ્યોની વિધાનસભામાં ૧૨૩ સીટ મેળવવાનો લક્ષ્યાંક ધરાવતી જેડી(એસ) પાર્ટીએ તેની પહેલી યાદીમાં ૯૩ ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે.