14 September, 2024 08:18 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના મઉમાં બુધવારે વહેલી સવારે બે આર્મી-ઑફિસરો પર હુમલો કર્યા બાદ તેમની સાથેની બેમાંથી એક યુવતી પર કરવામાં આવેલા બળાત્કારના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને ત્રણ બીજા આરોપીઓની શોધ ચાલુ છે ત્યારે બીજી તરફ પીડિતા તેનું નિવેદન આપવા તૈયાર નથી અને વારંવાર એક જ વાતનું રટણ કરી રહી છે કે આરોપીને શૂટ કરો અથવા મને ગોળી મારી દો. પીડિતા આઘાતમાં હોવાથી પોલીસ તે સ્વસ્થ થાય ત્યાં સુધી તેનું નિવેદન લેવા માટે રાહ જોશે.
આરોપીઓ વિશે જાણકારી આપતાં પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે તેઓ મઉ વિસ્તારના બદમાશો છે અને તેઓ આ વિસ્તારમાં મોટરસાઇકલો પર ફરતા રહેતા અને કોને લૂંટી શકાય એની ફિરાકમાં રહેતા હતા. તેમણે બળાત્કારપીડિતાને પણ ૧૦ લાખ રૂપિયા ચૂકવવા માટે ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો રકમ નહીં મળે તો તેને મારી નાખવામાં આવશે.
આ કેસમાં ઇન્દોર પોલીસે એક આર્મી-ઑફિસરની ફરિયાદના આધારે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો છે. આ ઑફિસરે જણાવ્યું છે કે આરોપીઓએ મહિલા સાથે ખરાબ વર્તન કર્યું હતું અને મને શંકા છે કે તેની સાથે કંઈક ખોટું કરવામાં આવ્યું છે.
બીજી તરફ એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘પીડિતા સતત કહી રહી છે કે આરોપીને ગોળી મારી દો અથવા મને શૂટ કરો. અમે સમજી શકીએ છીએ કે તે આઘાતમાં છે. અમે તેને આ કેસમાં તેનું નિવેદન નોંધાવવા માટે સતત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
શું છે ઘટના?
બે યુવા આર્મી-ઑફિસરો અને તેમની બે મિત્રો મંગળવારે રાતે ૧૧ વાગ્યે આર્મીના જામગેટ પાસે આવેલા ફાયરિંગ રેન્જ પર ગયાં હતાં. તેઓ તેમના વાહનમાંથી નીકળીને એકાંત સ્થળે બેઠાં હતાં ત્યારે મધરાત બાદ ૨.૩૦ વાગ્યે વીસથી ૩૫ વર્ષના સાતથી આઠ લોકોએ તેમના પર લાકડી અને સળિયાથી હુમલો કર્યો હતો. તેમણે ૧૦ લાખ રૂપિયાની માગણી કરી હતી, અન્યથા તેમની હત્યા કરી દેવાશે એવી ધમકી આપી હતી. આરોપીઓએ એક યુવતી પર બળાત્કાર કર્યો હતો અને તેનું પર્સ સહિત બીજી ચીજો પણ લૂંટી લીધી હતી.