યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા ભારતીયોએ યુદ્ધની ભયાનક પળો વર્ણવી
સુદાનમાંથી ગઈ કાલે ૧૩૫ ભારતીયોને લઈને C-130 Jની બીજી ફ્લાઇટ જેદ્દાહમાં પહોંચતાં તેમને આવકારતા રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી. મુરલીધરન.
સુદાનમાં યુદ્ધ લડી રહેલાં બે સશસ્ત્ર જૂથો વચ્ચે ૭૨ કલાકના યુદ્ધવિરામ વચ્ચે અનેક દેશો તેમના
નાગરિકોને સુદાનમાંથી સુરક્ષિત સ્થાને લઈ જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભારતે પણ ઑપરેશન કાવેરી હેઠળ પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડ્યા છે. સુદાનમાં આર્મી અને પૅરામિલિટરી ફોર્સિસની વચ્ચે લડાઈ ચાલી રહી છે.
ઍર ફોર્સે રીસન્ટ્લી યુદ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ૨૫૦ ભારતીયોના વધુ એક બૅચને રેસ્ક્યુ કર્યો હતો. ૨૫૦થી વધુ લોકોને ઇન્ડિયન ઍર ફોર્સનાં બે C-130 J પ્લેન્સ દ્વારા પોર્ટ સુદાનમાંથી સુરક્ષિત સ્થાનોએ પહોંચાડવામાં આવ્યા હતા. ૧૩૫ ભારતીયોને ગઈ કાલે સુદાનમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
સુદાનમાંથી સુરક્ષિત સ્થાનોએ પહોંચેલા ભારતીયોએ ભયાનક પળો વર્ણવી છે અને જણાવ્યું હતું કે લડાઈ એટલી ભયાનક હતી કે જમવા માટે વ્યવસ્થા કરવી એ પણ રોજેરોજનો સંઘર્ષ હતો.
એક ભારતીયે જણાવ્યું હતું કે ‘અમારી કંપનીની પાસે રૅપિડ સપોર્ટ ફોર્સિસનો ટેન્ટ હતો. સવારે લગભગ નવ વાગ્યે ફોર્સિસ અમારી કંપનીમાં પ્રવેશી અને લૂંટ મચાવી હતી. તેમણે અમને આઠ કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા. તેમણે અમારી છાતી પર રાઇફલ મૂકી હતી. અમારા મોબાઇલ ચોરી લીધા હતા. અમે ભારતીય એમ્બેસીના સંપર્કમાં હતા અને તેમને જણાવ્યું હતું કે અમારી પાસે ડીઝલ છે, તમે બસની વ્યવસ્થા કરો. ઇન્ડિયન નેવીનું જહાજ આવ્યું અને અમારી સાથે ખૂબ જ સારી રીતે વર્તાવ કરવામાં આવ્યો હતો.’
બીજા એક જણે જણાવ્યું હતું કે ‘લડાઈ ખૂબ જ ભયાનક છે. અમે ફૂડ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. બેથી ત્રણ દિવસ સુધી એ સ્થિતિ રહી હતી.’
સુદાનથી આજે ગુજરાતીઓ પાછા આવશે ગુજરાત
ગૃહયુદ્ધના કારણે સર્જાયેલા વિપરીત સંજોગોમાં સુદાનમાં ફસાયેલા ૩૮ ગુજરાતીઓ આજે ગુજરાત પાછા આવશે. તેમને ઑપરેશન કાવેરી હેઠળ સહીસલામત ગુજરાત લાવવા ભારત સરકારની મદદથી ગુજરાત સરકારે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગઈ કાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘૩૮ ગુજરાતીઓ સુદાનમાં ફસાયેલા હતા. ભારત સરકારની મદદથી આજે મોડી રાત સુધીમાં એ સૌ લોકોને મુંબઈ પરત લાવવામાં આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ તમામ નાગરિકોને ગુજરાતમાં પોતાના ઘર સુધી પરત લાવવામાં બિનગુજરાતી પ્રભાગ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુંબઈથી ફ્લાઇટના માધ્યમથી, બસના માધ્યમથી તમામ લોકોને તેમના જિલ્લા સુધી પરત લાવવા વ્યવસ્થા કરી દેવામાં આવી છે.’