કમલા હૅરિસ માટે તામિલનાડુમાં આવેલા તેમના નાનાના ગામના ધર્મ શાસ્તા મંદિરમાં પૂજા થઈ, પોસ્ટર પણ લાગ્યાં

25 July, 2024 12:37 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

મૂળ ભારતનાં કમલા હૅરિસના પૂર્વજોનું ઘર તામિલનાડુના તિરુવરુર જિલ્લાના થુલસેન્દ્રપુરમ ગામમાં આવેલું છે

પોસ્ટર

અમેરિકાના પ્રેસિડન્ટપદ માટેના દાવેદાર તરીકે જેમનું નામ હાલમાં ચર્ચામાં છે એ કમલા હૅરિસનું પોસ્ટર તેમના પૂર્વજોના ગામમાં લગાવવામાં આવ્યું છે. મૂળ ભારતનાં કમલા હૅરિસના પૂર્વજોનું ઘર તામિલનાડુના તિરુવરુર જિલ્લાના થુલસેન્દ્રપુરમ ગામમાં આવેલું છે. આ ગામમાં કમલા હૅરિસને સપોર્ટ આપતાં તેમનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે એટલું જ નહીં, તેમની જીત માટે ત્યાંના મંદિરમાં પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કમલા હૅરિસના નાના પી. વી. ગોપાલન આ જ ગામમાં રહેતા હતા. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને ઇલેક્શનમાંથી પોતાનું નામ ખેંચી લીધું છે. આથી પ્રેસિડન્ટપદ માટે હવે કમલા હૅરિસને જ પસંદ કરવામાં આવે એવાં એંધાણ છે. જોકે હજી સુધી સત્તાવાર એની જાહેરાત નથી કરવામાં આવી. મૂળ ભારતની વ્યક્તિ અમેરિકાના પ્રેસિડન્ટપદ માટે ઇલેક્શન લડી રહી હોય એ ઇન્ડિયા માટે પણ ગર્વની વાત છે. આથી તેમના માટે વોટિંગના દિવસ સુધી આ મંદિરમાં પૂજા કરવામાં આવશે. આ ગામના ધર્મ શાસ્તા મંદિરમાં વર્ષો પહેલાં કમલા હૅરિસે દાન કર્યું હતું. મંદિરના દાતાઓના લિસ્ટમાં કમલા હૅરિસનું પણ નામ છે. કમલા હૅરિસ આજ સુધી એક પણ દિવસ એ ગામમાં નથી ગયાં, પરંતુ ગામના લોકોને આશા છે કે તેઓ એક દિવસ જરૂર મુલાકાત લેશે.

national news kamala harris tamil nadu united states of america life masala