23 January, 2025 12:33 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
શબનમ શેખ
મુંબઈની ૨૩ વર્ષની મુસ્લિમ યુવતી શબનમ શેખે પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવીને સનાતન ધર્મ પ્રત્યે તેની શ્રદ્ધા જાહેર કરી હતી. શબનમે સંત મહાત્માઓનાં દર્શન કર્યાં, અનુષ્ઠાનમાં ભાગ પણ લીધો અને મહાકુંભની સુંદર વ્યવસ્થા માટે યોગી સરકારની પ્રશંસા પણ કરી હતી. મહાકુંભમાં મુસ્લિમોની એન્ટ્રી પર પ્રતિબંધ હોવા છતાં આ મુસ્લિમ યુવતીએ મહાકુંભમાં સ્નાન કરવાથી વિવાદ થયો હતો. જોકે તેની સુરક્ષાના કારણોસર તેના મહાકુંભના પ્રવાસની જાણકારી જાહેર કરવામાં આવી નહોતી.
શનિવારે તે મહાકુંભમાં પરંપરાગત મુસ્લિમ પોશાકમાં આવી હતી. તેણે નકાબ પહેર્યો હતો. તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ દાસે શબનમનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. શબનમે કહ્યું હતું કે ‘મેં મહાકુંભમાં નીડર થઈને ભાગ લીધો હતો અને મને અહીં ખૂબ સન્માન મળ્યું છે. મુસ્લિમોની એન્ટ્રી પર પ્રતિબંધ હોવા છતાં મને ડર લાગ્યો નહોતો. આ અનુભવ મારી અપેક્ષાથી પણ ઘણો દિવ્ય રહ્યો હતો.’
ગયા વર્ષે શબનમે અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા વખતે મુંબઈથી પદયાત્રા કરી હતી. તેણે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં પણ તે મહાકુંભમાં આવશે. જગદગુરુ પરમહંસ દાસે કહ્યું હતું કે ‘શબનમ શેખ જેવી દીકરીઓ સમાજને જોડવાનું કામ કરે છે, તેનો ધર્મ ઇસ્લામ છે પણ તેના મનમાં સનાતન પ્રત્યે આસ્થા અને સન્માન છે. આવા લોકોનું મહાકુંભમાં સ્વાગત છે.’