13 July, 2024 10:31 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીના ફોટો સાથેનો લૅબ-ગ્રોન ડાયમન્ડ (ડાબે) અને એને બનાવનાર કિરણ સુથાર ડાયમન્ડ સાથે
ડાયમન્ડ સિટી તરીકે દુનિયાભરમાં જાણીતા સુરતમાં ગઈ કાલથી શરૂ થયેલા હીરા એક્સ્પોમાં લૅબ-ગ્રોન ડાયમન્ડમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે બનેલો સ્પેશ્યલ ડાયમન્ડ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સુરતના કિરણ સુથારે નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા’ના વિઝનથી તેમ જ લૅબ-ગ્રોન ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી માટે કરેલા પ્રયાસથી પ્રેરાઈને તેમને ગિફ્ટ આપવા તેમના ફોટો સાથેનો ખાસ હીરો બનાવ્યો છે અને એને પ્રદર્શનમાં મૂક્યો છે.
સુરતના એસ. કે. ડિયામના કિરણ સુથારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારું કામ લૅબ-ગ્રોન ડાયમન્ડ મૅન્યુફૅક્ચરિંગનું છે. નરેન્દ્ર મોદી પ્રત્યેની અમારી લાગણી છે. તેમનું વિઝન મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા અને ઇકો-ફ્રેન્ડ્લી છે. અમે બનાવેલો લૅબ-ગ્રોન ડાયમન્ડ પણ ઇકો-ફ્રેન્ડ્લી છે. તેમના આ વિઝનથી અમે મોટિવેટ થયા હતા અને અમને વિચાર આવ્યો હતો કે નરેન્દ્રભાઈ મોદી અમારી ઇન્ડસ્ટ્રી માટે કંઈક કરતા હોય છે તો આપણે પણ તેમને માટે કંઈક કરવું જોઈએ એવું વિચારીને અમે નરેન્દ્રભાઈના ફોટો સાથેનો લૅબ-ગ્રોન ડાયમન્ડ બનાવવાનું વિચારીને પ્લાનિંગ સાથે કામ શરૂ કર્યું હતું. ૪૦ કૅરૅટના રૉ-મટીરિયલમાંથી આ સ્પેશ્યલ ડાયમન્ડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. પ્લાનિંગ બાદ લેસર કટિંગ અને એ પછી રીચેક માટે પાછું પ્લાનિંગ. ત્યાર બાદ કટિંગ અને એ પછી માઇક્રો પૉલિશ કરીને આ ડાયમન્ડ તૈયાર કર્યો છે. ૪૦ કૅરૅટના રૉ-મટીરિયલમાંથી ૮ કૅરૅટનો પૉલિશ્ડ ડાયમન્ડ નરેન્દ્રભાઈના ફોટો સાથે બનાવ્યો છે.’
વેચવાનો નથી
આ લૅબ-ગ્રોન ડાયમન્ડ વેચવાનો નથી એ વિશે વાત કરતાં કિરણ સુથારે કહ્યું કે ‘આ ખાસ ડાયમન્ડ અમે વેચવા માટે નથી બનાવ્યો, પરંતુ અમારી ડાયમન્ડ-ઇન્ડસ્ટ્રી માટે નરેન્દ્ર મોદીએ ઘણું કર્યું છે એટલે તેમને ગિફ્ટ આપવા માટે આ લૅબ-ગ્રોન ડાયમન્ડ તૈયાર કર્યો છે. અમને મોકો મળશે ત્યારે આ ડાયમન્ડ તેમને ગિફ્ટ કરીશું. તેમણે લૅબ-ગ્રોન ડાયમન્ડ પણ પ્રમોટ કર્યો હતો. ઇકો-ફ્રેન્ડ્લી તેમનું વિઝન હતું અને અમારો આ ડાયમન્ડ પણ ઇકો-ફ્રેન્ડ્લી છે અને એના દ્વારા એક મેસેજ પણ લોકો સુધી પહોંચે કે ડાયમન્ડમાં પણ ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ બને છે.’