રામનગરી અયોધ્યામાં દીપોત્સવ વખતે ભવ્ય ડ્રોન-શોનું આયોજન કરવામાં આવશે

20 October, 2024 10:35 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

રામ કી પૈડી પર ૫૦૦ સ્વદેશી ડ્રોન આકાશમાં ૧૫ મિનિટમાં ૧૫ અદ‍્ભુત ફૉર્મેશન રજૂ કરશે

રામ મંદિર

ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, હનુમાન, રામમંદિરની રંગબેરંગી આકૃતિઓ જોવા મળશે ગગનમાં

અયોધ્યામાં દિવાળી દરમ્યાન થનારા દીપોત્સવના આયોજન વિશે રોજેરોજ નવી માહિતી સામે આવી રહી છે. હવે જાણવા મળ્યું છે કે આ વખતે યોગી આદિત્યનાથ સરકાર ભવ્ય ડ્રોન-શોનું આયોજન કરવાની છે જેમાં ૫૦૦ ડ્રોન દ્વારા એરિયલ શો યોજાશે. આ આયોજન માટે માત્ર મેડ ઇન ઇન્ડિયા ડ્રોનનો જ ઉપયોગ કરવામાં આવશે. એ માત્ર ભારતની ટેક્નૉલૉજિકલ પ્રગતિનાં જ દર્શન નહીં કરાવે, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન પણ આપશે.

અયોધ્યાના આકાશમાં ૫૦૦ ડ્રોન એકસાથે રંગબેરંગી પ્રકાશ રેલાવશે અને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, હનુમાન, રાવણવધ, પુષ્પક વિમાન, દીપોત્સવ, રામદરબાર, વાલ્મીકિ, તુલસીદાસ અને રામમંદિર જેવાં કુલ ૧૫ અદ‍્ભુત ફૉર્મેશન રચશે. આ શો જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ઊઠશે. આ શો ૧૫ મિનિટ ચાલશે અને એમાં લેઝર લાઇટ્સ, વૉઇસઓવર અને મ્યુઝિકલ નરેશન પણ કરવામાં આવશે

એક દિવસ પહેલાં રિહર્સલ
રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ થનારા પહેલા અને સળંગ આઠમા દીપોત્સવને યાદગાર બનાવવા માટે પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. આ ડ્રોન-શો ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ મુજબનો હશે. ૩૦ ઑક્ટોબરે રામ કી પૈડી પર યોજાનારા આ ડ્રોન-શોનું રિહર્સલ ૨૯ ઑક્ટોબરે રાતે કરવામાં આવશે.

અમ્રિતસરના સ્થાપકની જન્મજયંતી પર ગોલ્ડન ટેમ્પલનો ઝગમગાટ


સિખોના ચોથા ગુરુ અને અમ્રિતસર શહેરના સ્થાપક ગુરુ રામ દાસની ૪૯૦ની જન્મજયંતી નિમિત્તે ગઈ કાલે ગોલ્ડન ટેમ્પલને જુઓ કેવું શણગારવામાં આવ્યું હતું.

national news india ayodhya ram mandir diwali