25 February, 2019 12:08 PM IST |
ફાઇલ ફોટો
ખાખી વર્દી પહેરીને જવાન પોતાની આખી જિંદગી ફક્ત એટલા માટે કુરબાન કરી દે છે જેથી દેશના અન્ય લોકો શાંતિની ઊંઘ લઈ શકે. કહી શકાય કે કોઇપણ દેશના જવાન તેનો આધારસ્તંભ હોય છે. તેમના વગર ડર વગરની જિંદગીની કલ્પના કરવી અશક્ય છે. આઝાદીની પહેલા અને પછી થયેલી ઘણી લડાઈઓમાં આપણા સૈનિકોએ પોતાનું લોહી વહાવ્યું છે જેમાં દરેક નામની ભાગ્યે જ કોઈને જાણ હશે. આ જ સૈનિકોના સમર્પણ અને વીરતાની કહાણીઓને દર્શાવવા માટે ભારતમાં નેશનલ વૉર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. જાણો આ મ્યુઝિયમ વિશે.
ક્યાં બનાવવામાં આવ્યું છે નેશનલ વૉર મેમોરિયલ?
આખરે શહીદો માટે પ્રસ્તાવિત નેશનલ વૉર મેમોરિયલ લાંબા સમય સુધી રાહ જોયા પછી દિલ્હીમાં બનીને તૈયાર થઈ ગયું છે. 176 કરોડના ખર્ચે તૈયાર થયેલું નેશનલ વૉર મેમોરિયલ ખરેખર બહુ અદ્ભુત છે.
ક્યારથી થઈ હતી બનવાની શરૂઆત?
લાંબા સમયથી રાજકીય અને પ્રશાસકીય ઉદાસીનતાનો શિકાર બનેલા વૉર મેમોરિયલને બનાવવાનો પ્રસ્તાવ લગભગ 60 વર્ષો પહેલા જ આપવામાં આવ્યો હતો. વૉર મેમોરિયલનું ઉદ્ઘાટન ગયા વર્ષે 15 ઓગસ્ટ, 2018ના રોજ જ થવાનું હતું પરંતુ નિર્ધારિત સમય પર કામ પૂરું ન થઈ શકવાને કારણે તેને ટાળી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે 25 ફેબ્રુઆરી, 2019ના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે.
શહીદ સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું છે નેશનલ વૉર મેમોરિયલ
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક આઝાદી પછીથી ઘણી લડાઇઓમાં શહીદ થનારા 22,600થી વધુ સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું છે. કેન્દ્રની સરકારે ઓક્ટોબર 2015માં આ માટે નાણાની રકમ પણ સ્વીકૃત કરી દીધી હતી. વૉર મેમોરિયલ સૈન્યબળોની લાંબાગાળાથી વિલંબમાં રહેલી ભાવનાત્મક માંગને પૂરી કરશે, જેમાં તેમણે વર્ષો સુધી તેને દિલ્હીથી બહાર ક્યાંક શિફ્ટ કરવાનો વિરોધ કર્યો.
દુનિયાના મુખ્ય દેશોમાં અત્યાર સુધી ભારત કદાચ એકમાત્ર એવો દેશ હતો, જેની પાસે વોર મેમોરિયલ નહોતું. આ પહેલા પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા 84,000 ભારતીય જવાનોની યાદમાં અંગ્રેજોએ ઇન્ડિયા ગેટ બનાવડાવ્યો હતો. જેની દીવાલો પર શહીદ જવાનોના નામ લખ્યા છે. ત્યારબાદ 1971ના યુદ્ધમાં શહીદ થયેલા 3843 સૈનિકોના સન્માનમાં અમર જવાન જ્યોતિ બનાવવામાં આવી હતી.
નેશનલ વૉર મેમોરિયલને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી રાજપથ અને તેની ભવ્ય સંરચનાની સાથે કોઈ ચેડાં ન થાય. તેનો પ્રાથમિક ખર્ચ લગભગ 350 કરોડ રૂપિયા છે.