25 August, 2019 06:11 PM IST |
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી સચિવાલય પરથી રાજ્યનો ધ્વજ હટાવવામાં આવ્યો છે. હવે જમ્મુ કાશ્મીર સચિવાલયમાં માત્ર તિરંગો લહેરાશે. આ પહેલા જમ્મુ કાશ્મીરમાં તિરંગા સાથે રાજ્યનો ધ્વજ ફરકાવવામાં આવતો હતો. આર્ટિકલ 370થી જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. આર્ટિકલ 370 અનુસાર જમ્મુ કાશ્મીરમાં તેમનું બંધારણ અને ધ્વજ હતો જ્યારે દેશના કોઈ પણ રાજ્યને અલગથી ધ્વજ નથી. આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં હવે લાલ ધ્વજ ઈતિહાસ બનીને રહી જશે.
જમ્મુ કાશ્મીરનો ધ્વજ લાલ અને સફેદ રંગનો છે. ધ્વજમાં ત્રણ લાઈનો છે જે જમ્મુ, કાશ્મીર અને લદ્દાખને દર્શાવે છે. આ ધ્વજમાં વચ્ચે એક હળ આપવામાં આવ્યું છે જે ખેતીને દર્શાવે છે. જમ્મુ કાશ્મીરના ધ્વજનો સંબંધ 13 જુલાઈ 1931ના શ્રીનગરમાં થયેલી એક ઘટના સાથે જોડાયેલો છે. ડોગ્રા શાસકો સામે સ્થાનિય લોકોએ કરેલા વિરોધ પ્રદર્શનમાં પોલીસે ગોળીબારી કર્યો જેમાં 21 લોકોના મોત થયા. હુમલામાં મૃત્યુ પામેલા લોકોના લોહીથી રંગાયેલા શર્ટને ફરકાવ્યા હતા. આ ઘટના પછી નેશનલ કોન્ગ્રેસે આ ધ્વજને સ્વીકાર્યો હતો.
આ પણ વાંચો: Man vs Wild: આ રીતે PM મોદીનું હિન્દી સમજતા હતા બિયર ગ્રિલ્સ,થયો ખુલાસો
કાશ્મીરના ભારતમાં સામેલ થયા પછી આ ધ્વજને રાજ્યનો સત્તાવાર ધ્વજ બનાવવામાં આવ્યો હતો જો કે આર્ટિકલ 370 હટાવ્યા પછી હવે જમ્મુ કાશ્મીરમાં માત્ર તિરંગો ફરકશે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી 70 વર્ષ જૂની કલમ 370ને હટાવી દીધી હતી. આ માટે ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં કલમ 370ને હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. જેના થોડા જ સમય બાદ રાષ્ટ્રપતિએ મંજૂરી આપતો લેટર પણ જાહેર કરી દેવાયો હતો. જેને કારણે હવે જમ્મુ કાશ્મીરમાં પણ ભારતનું બંધારણ લાગુ પડશે.