25 February, 2019 06:02 PM IST | નવી દિલ્હી
અનુરાગ ઠાકુર (ફાઇલ ફોટો)
ટ્વિટરના વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ પોલિસી હેડ કોલિન ક્રોવેલ અને અન્ય અધિકારી સોમવારે સંસદની આઇટી કમિટીની સામે હાજર થયા. સાડા ત્રણ કલાક આ બેઠક ચાલી. ન્યુઝ એજન્સીના સૂત્રો પ્રમાણે, સમિતિના અધ્યક્ષ અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે ટ્વિટરને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે વિદેશી સંસ્થાઓ દ્વારા ભારતની ચૂંટણીઓ કોઈ રીતે પ્રભાવિત ન થવી જોઇએ. ટ્વિટરે આવા મામલાઓ ચૂંટણીપંચ સાથે મળીને તાત્કાલિક ઉકેલી લેવા જોઇએ.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અનુરાગ ઠાકુરે ભાર દઈને કહ્યું કે ટ્વિટરે આ મુદ્દાઓ પર ચૂંટણીપંચ સાથે રિયલ ટાઇમમાં કામ કરવું પડશે. ટ્વિટરના અનુત્તરિત પ્રશ્નોના જવાબ આપવા માટે દસ દિવસનો સમય માંગ્યો છે, જે પછી તેમને ફરીથી સંસદીય સમિતિ સમક્ષ બોલાવવામાં આવી શકે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આઇટી મામલાઓની સંસદીય સમિતિએ 6 માર્ચના રોજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપના સિનિયર અધિકારીઓને બોલાવ્યા છે. ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર નાગરિકોના અધિકારોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે આ પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.
યુથ ફોર સોશિયલ મીડિયા ડેમોક્રસી (વાઇએસએમડી)એ ટ્વિટર પર પક્ષપાતનો આરોપ લગાવીને નવી દિલ્હી સ્થિત તેની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 31 જાન્યુઆરીના રોજ અનુરાગ ઠાકુરને સોંપવામાં આવેલા દસ્તાવેજમાં વાઇએસએમડીએ કહ્યું હતું, 'ડાબેરી વિચારધારાવાળા તે અકાઉન્ટ્સ પ્રત્ય કોઇ કાર્યવાહી નથી થતી જે સતત આક્રમક, ગાળાગાળીથી ભરપૂર અને ધમકીઓભરી પોસ્ટ કરે છે. જ્યારે તે ટ્વિટરના નિયમોની વિરુદ્ધ હોય છે.'
આ પણ વાંચો: કોંગ્રેસ સત્તામાં આવશે તો પહેલા સંસદસત્રમાં મહિલા અનામત બિલ પાસ કરાવશે: સિંધિયા
નાગરિકોના અધિકારની સુરક્ષાના મુદ્દે સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સમન મોકલ્યા હતા. સંસદીય સમિતિની અધ્યક્ષતા ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર કરી રહ્યા છે. સમિતિએ 1 ફેબ્રુઆરીના રોજ ટ્વિટરને પત્ર મોકલીને સમન મોકલ્યા હતા. પહેલા 7 ફેબ્રુઆરીના રોજ બેઠક નક્કી હતી, પરંતુ તેને 11 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવી હતી જેથી ટ્વિટરના સીઇઓ સહિત કેટલાક વરિષ્ઠ અધિકારીઓના આવવા માટે પર્યાપ્ત સમય મળી શકે. ત્યારબાદ ટ્વિટરે સુનાવણી માટે ઓછો સમય મળવાને કારણ જણાવીને ઇન્કાર કરી દીધો હતો.