18 April, 2023 12:58 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૅન્ગસ્ટર અતીક અહમદને ૯ ગોળી વાગી હતી
ઉત્તર પ્રદેશમાં શનિવારે રાતે હૉસ્પિટલની બહાર કૅમેરામાં કૅપ્ચર કરાયેલા મર્ડરમાં ગૅન્ગસ્ટર અતીક અહમદને ૯ ગોળી વાગી હતી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. સોર્સિસે જણાવ્યા અનુસાર પોસ્ટમૉર્ટમમાં આ ખૂનખાર ગૅન્ગસ્ટરના શરીરમાં બુલેટની ૯ ઈજા જોવા મળી હતી. તેના ભાઈ અશરફના મૃતદેહમાંથી પાંચ બુલેટ બહાર કાઢવામાં આવી છે. પ્રયાગરાજમાં હૉસ્પિટલની બહાર તેની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દરમ્યાન ત્રણેય શૂટર્સની ધરપકડ થઈ છે. પાંચ ડૉક્ટર્સની એક ટીમે આ પોસ્ટમૉર્ટમ કર્યાં હતાં. આ હાઈ-પ્રોફાઇલ કેસમાં યોગ્ય રીતે તપાસ થાય એની ખાતરી કરવા માટે એ પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
યુપી પોલીસે કરી SITની રચના
ઉત્તર પ્રદેશ પોલીસે અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે. સ્પેશ્યલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (લૉ ઍન્ડ ઑર્ડર) પ્રશાંત કુમારે કહ્યું કે પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્માની સૂચનાથી આ એસઆઇટીની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો : ૧૭ વર્ષની ઉંમરે જ હત્યાનો આરોપ, ૧૦૦થી વધુ ક્રિમિનલ કેસ
કિલર્સને અલગ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા
અતીક અને અશરફની હત્યા કરનાર સની સિંહ, અરુણ મૌર્ય અને લવલેશ તિવારીને આ પહેલાં નૈની જેલમાં રાખવામાં આવ્યા હતા, પણ હવે સુરક્ષાના કારણસર તેમને પ્રતાપગઢ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ કેસમાં કૉન્ટ્રૅક્ટ કિલિંગના ઍન્ગલથી પણ તપાસ થઈ રહી છે.