02 October, 2024 10:50 AM IST | ludhiana | Gujarati Mid-day Correspondent
એસ. પી. ઓસવાલ
લુધિયાણાના ટેક્સટાઇલ મૅન્યુફૅક્ચરર વર્ધમાન ગ્રુપના ૮૨ વર્ષના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર એસ. પી. ઓસવાલની સાથે ડિજિટલ-અરેસ્ટના નામે ૨૮ અને ૨૯ ઑગસ્ટે સાત કરોડ રૂપિયાનો ફ્રૉડ કરવામાં આવ્યો હતો. આ રૂપિયા તેમની સાથે છેતરપિંડી કરનારા આરોપીઓએ વિવિધ ખાતાંઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે ઓસવાલ પરિવારે આ મુદ્દે સાઇબર ક્રાઇમ વિભાગમાં કરેલી ફરિયાદને પગલે ૫.૨૫ કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી અને પોલીસે આરોપીઓનાં ખાતાં ફ્રીઝ કરી દીધાં હતાં. આરોપીઓએ બનાવટી કોર્ટરૂમ, બનાવટી ઑફિસરો અને બનાવટી ચીફ જસ્ટિસ દ્વારા સમગ્ર પ્રક્રિયા ખરેખરી હોવાનો આભાસ કરાવ્યો હતો.
કેવી રીતે છેતરપિંડી થઈ?
આ મુદ્દે જાણકારી આપતાં એસ. પી. ઓસવાલે એક ન્યુઝ-ચૅનલને જણાવ્યું હતું કે ‘મને ૨૮ ઑગસ્ટે શનિવારે ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે ૯ નંબર પ્રેસ કર્યા બાદ ફોન કપાઈ જશે. ૯ નંબર પ્રેસ કરતાં સામા છેડેથી અવાજ સંભળાયો હતો કે હું સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની કોલાબા ઑફિસમાંથી વાત કરું છું. તેણે મને કહ્યું કે મારા નામનો દુરુપયોગ કરીને કોઈએ ફોન નંબર લીધો છે.’
બનાવટી ખાતાની વાત કરી
આ ફોનમાં સામા છેડે રહેલા માણસે ઓસવાલને કૅનેરા બૅન્કના અકાઉન્ટની વાત કરી હતી અને કહ્યું કે એમાં ગેરરીતિ આચરવામાં આવી છે. છેતરપિંડી કરનારા લોકોએ ઓસવાલને વિડિયો-કૉલ પર લીધા હતા અને કહેવામાં આવ્યું કે આ ખાતામાં જેટ ઍવરેઝના નરેશ ગોયલ સાથે સંબંધિત કેસમાં મની લૉન્ડરિંગ કરાયું છે. આ બાબતે ઓસવાલે નનૈયો ભણ્યો પણ તેમને ખાતરી કરાવવામાં આવી કે ‘તમારું ખાતું ખોલવામાં આવ્યું છે અને આ કેસમાં હવે તેમની ડિજિટલ અરેસ્ટ કરાઈ છે, તમે ડિજિટલ કસ્ટડીમાં છો, હવે તમે ફોન કાપી શકો નહીં અને તમે અમારી નજર હેઠળ છો. જો તમે સહકાર આપશો તો તમારું રક્ષણ કરવામાં આવશે અને આ કેસમાંથી છોડી મૂકવામાં આવશે.’
નિવેદન નોંધવામાં આવ્યું
ડિજિટલ અરેસ્ટ બાદ રાહુલ ગુપ્તા નામના માણસે પોતાને ચીફ ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસર ગણાવીને ઓસવાલને સર્વેલન્સના ૭૦ નિયમો મોકલ્યા હતા અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ વખતે તેમને બાળપણથી લઈને બિઝનેસ શરૂ કરવા સંદર્ભના અનેક સવાલો કરવામાં આવ્યા હતા અને પ્રૉપર્ટીની વિગતો પણ માગવામાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન તેમના પર સતત નજર રાખવામાં આવી રહી હતી. તેઓ રૂમની બહાર જાય તો પણ ફોન સાથે લઈને જવો પડતો હતો.
નૅશનલ સીક્રેટ્સ ઍક્ટનો કેસ
એસ. પી. ઓસવાલને જણાવવામાં આવ્યું હતું કે તેમની સામે નૅશનલ સીક્રેટ્સ ઍક્ટની કલમો હેઠળ કેસ થયો હોવાથી એની જાણકારી કોઈને આપી શકાય નહીં, જેને પણ જાણકારી આપશે તેને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા કરાશે.
બનાવટી કોર્ટમાં કેસ પણ ચાલ્યો
આ ડિજિટલ અરેસ્ટ વખતે તેમની સામે કોર્ટકેસ પણ ચાલ્યો હતો અને અધિકારીઓ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા અને કોર્ટમાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ જેવા દેખાતા જજ પણ બેસેલા હતા. ત્યાર બાદ કેસમાં તેમને સાત કરોડ રૂપિયાનો દંડ કરવાનો આદેશ વૉટ્સઍપથી મોકલવામાં આવ્યો હતો. તમામ દસ્તાવેજ ઓરિજિનલ જેવા જ દેખાતા હતા. ઓસવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)નું બનાવટી અરેસ્ટ વૉરન્ટ પણ મોકલવામાં આવ્યું હતું જેના પર EDનો મૉનોગ્રામ અને મુંબઈ પોલીસનો સ્ટૅમ્પ હતા.
વિવિધ ખાતાંમાં રકમ જમા કરાઈ
ઓસવાલને વિવિધ ખાતાંમાં દંડની રકમ જમા કરવાનો આદેશ અપાયો હતો અને તેમણે એ રકમ ભરી દીધી હતી. ત્યાર બાદ તેમનો છુટકારો કરવામાં આવ્યો હતો.
પોલીસમાં ફરિયાદ
૩૧ ઑગસ્ટે એસ. પી. ઓસવાલે સાઇબર ક્રાઇમ અને ગૃહ મંત્રાલયના સહયોગમાં ફરિયાદ નોંધાવી હતી અને જે ત્રણ ખાતાંમાં પૈસા ટ્રાન્સફર થયા હતા એ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હતાં અને ૫.૨૫ કરોડ રૂપિયા પાછા મેળવવામાં આવ્યા હતા. સાઇબર ક્રાઇમમાં આટલી મોટી રકમની રિકવરીનો આ પહેલો કેસ છે.
કેટલા આરોપી ઝડપાયા?
પોલીસે આ કેસમાં આંતર-રાજ્ય ગૅન્ગના બે આરોપી અતાનુ ચૌધરી અને આનંદ કુમારની આસામના ગુવાહાટીથી ધરપકડ કરી છે. તેઓ નાના વેપારી છે.
આ છે વૉન્ટેડ આરોપી
પોલીસ હવે આ કેસની માસ્ટરમાઇન્ડ ભૂતપૂર્વ બૅન્ક-કર્મચારી રુમી કલિતા અને નિમ્મી ભટ્ટાચાર્ચ, આલોક રાંગી, ગુલામ મુર્તઝા અને ઝાકિરની શોધમાં છે.
નાણાંની લાલચ આપી
આરોપી આનંદ કુમારે પોલીસને જણાવ્યું કે ‘મને પૈસાની જરૂર હતી. આ ગૅન્ગના લોકોએ મારો સંપર્ક કરીને કહ્યું હતું કે ગેમિંગ-પ્રાઇઝની રકમ ટ્રાન્સફર કરવા માટે મારા બૅન્ક ખાતાનો ઉપયોગ થશે અને એમાંથી મને થોડી રકમ મળશે. મારા ખાતામાં બે કરોડ રૂપિયા ટ્રાન્સફર થશે એમ કહેવામાં આવ્યું હતું, પણ એમાં ૯.૨૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા.’