છુટકારો થવાનો છે એનાથી નેવીના ભૂતપૂર્વ અધિકારીઓ અજાણ હતા

13 February, 2024 09:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કતારે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓની સજા માફ કરી : સાત ભારત પાછા ફર્યા

વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ભારતીય નેવીના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને કતારે મુક્ત કર્યા છે અને એ પૈકી સાત જણ સોમવારે વહેલી સવારે વતન પરત આવી પહોંચ્યા હતા. આ આઠ જણ દેખીતી રીતે જ કાવતરાના આરોપોનો સામનો કરી રહ્યા હતા, પરંતુ ન તો કતાર કે ન તો નવી દિલ્હીએ તેમની સામેના આરોપોને જાહેર કર્યા હતા.જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો પછી તેમનો છુટકારો અનિવાર્ય હતો, છતાંય આ આઠેય જણને તેમની મુક્તિ થવા વિશે કશી જ જાણ નહોતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ આરબ અમીરાતની મુલાકાત બાદ ૧૪મી ફેબ્રુઆરીએ કતારમાં દોહાનો પ્રવાસ કરશે, એમ વિદેશ સચિવ વિનય ક્વતરાએ જણાવ્યું હતું. આઠ ભારતીયના છુટકારા માટે અને તેઓ ભારત પરત આવ્યા એ માટે કતારના અમીરના નિર્ણયની ભારત પ્રસંશા કરે છે. આ આઠ ભારતીયની ૨૦૨૨ના ઑગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી, એમ ​વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. દોહાની ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની કતારમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમના છુટકારાને ભારત સરકાર આવકારે છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. આ  આઠ ભારતીય નાગરિકોમાં કૅપ્ટન  (રિટાયર્ડ) નવતેજ ગિલ અને સૌરભ વશિષ્ઠ,  કમાન્ડર્સ (રિટાયર્ડ) પૂર્ણેન્દુ ​તિવારી, અમિત નાગપાલ, એસ. કે. ગુપ્તા, બી. કે. વર્મા, સુગુણકર પકાલા અને સેઇલર રાગેશનો સમાવેશ  થતો હતો. કમાન્ડર તિવારી દોહા રોકાઈ ગયા છે અને તેઓ ટૂંક સમયમાં ભારત આવી પહોંચશે, એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. 

national news indian navy