દિલ્હીમાં ૨૪ કલાકમાં ૭ ઇંચ વરસાદ ૮૮ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો

29 June, 2024 07:28 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઠેર-ઠેર પાણી ભરાયાં, ટ્રાફિક જૅમ થયો, ૨૪ કલાકમાં ૨૨૮ મિમી વરસાદ, ૧૯૩૬માં જૂન મહિનામાં ૨૩૫.૫ મિમી વરસાદ થયો હતો

અન્ડરપાસમાં ભરાયેલા પાણીમાં અટવાઈ ગયેલી બસમાંથી દોરડાની મદદથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, પોતાના પેટ ડૉગીને સલામત સ્થળે લઈ જતી મહિલા.

દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં ગુરુવારે સવારે ૮.૩૦થી શુક્રવારે સવારે ૮.૩૦  વાગ્યા સુધીના ૨૪ કલાકમાં આશરે ૭ ઇંચ વરસાદ નોંધાતાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં અને ગઈ કાલે સવારે શહેરમાં ભારે ટ્રાફિક જૅમ થયો હતો. દિલ્હી હવામાન ખાતાએ કહ્યું હતું કે ૨૪ કલાકમાં ૨૨૮ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ પહેલાં ૧૯૩૬માં જૂન મહિનામાં ૨૩૫.૫ મિમી વરસાદ નોંધાયો હતો. સામાન્ય રીતે જૂન મહિનામાં દિલ્હીમાં સરેરાશ ૮૦.૬ મિમી વરસાદ પડતો હોય છે.

પાણી ભરાઈ જવાથી દિલ્હીવાસીઓએ સવાર-સવારમાં ભારે હાલાકી વેઠવી પડી હતી. જોકે ભારે વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી ગઈ હતી. તાપમાન ૨૪.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં ૩.૨ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. એકાએક ભારે વરસાદ થવાને કારણે શહેરની માળખાકીય ખામીઓ બહાર આવી ગઈ હતી.

સમાજવાદી પાર્ટીના નેતાને સ્ટાફે ઊંચકીને કારમાં બેસાડ્યા
સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ ગઈ કાલે સવારે તેમના લોધી એસ્ટેટ સ્થિત બંગલામાંથી સંસદભવન જવા નીકળ્યા ત્યારે આ વિસ્તાર જળબંબાકાર હોવાથી તેમના સ્ટાફે તેમને ઊંચકીને કારમાં બેસાડ્યા હતા. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો. તેમણે કહ્યું કે ‘હું બંગલામાંથી એક કારમાં બહાર આવ્યો અને પછી સ્ટાફે મને ઊંચકીને બીજી કારમાં બેસાડ્યો. અમારા વિસ્તારમાં પાણી ભરાયાં છે, પણ દિલ્હી નગર નિગમે નાળાંની સફાઈ કરી ન હોવાથી આવી હાલત છે. મારો આખો બંગલો પાણીમાં ડૂબ્યો છે. બે દિવસ પહેલાં જ એમાં ફ્લોરિંગનું કામ થયું છે. પાણી ભરાઈ જતાં લાખોનું નુકસાન થયું છે.’

national news delhi news delhi monsoon news