05 April, 2023 01:07 PM IST | Gangtok | Gujarati Mid-day Correspondent
સિક્કિમમાં નાથુલામાં ગઈ કાલે હિમસ્ખલન બાદ બચાવકામ કરી રહેલી રેસ્ક્યુ ટીમ. રોડને બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન દ્વારા ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. પી.ટી.આઇ.
સિક્કિમના નાથુલા એરિયામાં ગઈ કાલે સવારે મોટા પાયે હિમસ્ખલનના કારણે સાત ટૂરિસ્ટ્સનાં મૃત્યુ થયાં હતાં. તેમનાં વાહનો બરફમાં દટાઈ ગયાં હતાં. ચીનની બૉર્ડર ખાતે ગંગટોકથી નાથુલાને કનેક્ટ કરતા જવાહરલાલ નેહરુ માર્ગ પર સવારે સાડાઅગિયાર વાગ્યે આ ઘટના બની હતી, જેના કારણે લગભગ ૩૦ લોકોને લઈ જતાં પાંચથી છ વેહિકલ્સ બરફની નીચે ફસાઈ ગયાં હતાં.
અત્યાર સુધીમાં સાત મૃતદેહને બરફમાંથી કાઢવામાં આવ્યા છે અને ૨૩ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં છ ટૂરિસ્ટ્સ પણ સામેલ છે. રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે એક ઊંડી ખીણમાંથી આ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામનારાઓમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે.
પોલીસ અને રેસ્ક્યુ ટીમે બરફ અને વરસાદ પડવાની સ્થિતિમાં પણ આ રેસ્ક્યુ ઑપરેશન પાર પાડ્યું હતું. એક પોલીસ ઑફિસરે જણાવ્યું હતું કે ટૂરિસ્ટ્સને પ્રતિકૂળ હવામાનના કારણે માઇલસ્ટોન ૧૩થી આગળ જવાની પરમિશન નહોતી. જોકે, તેમણે ટૂર ઑપરેટર્સ અને ડ્રાઇવર્સને એ એરિયામાં લઈ જવા માટે ફોર્સ કર્યો હતો કે જ્યાં આ દુર્ઘટના થઈ હતી.
આર્મી, સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ્સ અને પોલીસ દ્વારા એ એરિયામાં સર્ચ ઑપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે.
ઈજાગ્રસ્તોને ગંગટોકની જુદી-જુદી હૉસ્પિટલોમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ સિચુએશનને મૉનિટર કરી રહી છે અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સને પણ મોકલવામાં આવી છે.
નાથુલા દરિયાની સપાટીથી ૧૪,૪૫૦ ફુટની ઉપર છે, જે ભારત અને ચીનની વચ્ચે ત્રણ ઓપન ટ્રેડિંગ બૉર્ડર પોસ્ટ છે, જે એના અત્યંત કુદરતી સૌંદર્યના કારણે મુખ્ય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે.
એ રોડને બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન દ્વારા ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એ રસ્તા પરથી બરફ હટાવવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બરફના કારણે એ રોડ પર ૮૦ વાહનોમાં ૩૫૦ લોકો ફસાયા હતા.