07 December, 2022 09:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ)નાં સર્વર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા બાદ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ની વેબસાઇટને હૅક કરવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યા હતા. સોર્સિસે જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બરે ભારતની ટોચની મેડિકલ સંસ્થાની વેબસાઇટને હૅક કરવા માટે ૬૦૦૦ વખત પ્રયાસ કરવામાં આવ્યા છે.
ઇન્ટરનેટ પર ડિવાઇસની ઓળખ કરતાં યુનિક ઍડ્રેસ આઇપી ઍડ્રેસ આ કેસમાં હૉન્ગકૉન્ગનું હોવાનું અને એ બ્લૅકલિસ્ટેડ હોવાનું બહાર આવ્યું છે.
આઇસીએમઆર દ્વારા સુરક્ષા માટે પ્રયાસો વધારાયા હોવાથી અને અપડેટેડ ફાયરવૉલના કારણે એની વેબસાઇટને હૅક નહોતી કરી શકાઈ.
ગયા મહિને હૅકર્સે એઇમ્સને ટાર્ગેટ કરી હતી, જેના લીધે આ હૉસ્પિટલના લગભગ તમામ વિભાગની કામગીરીને અસર થઈ હતી.
૧૦ દિવસ કરતાં વધારે સમય સુધી એઇમ્સ-દિલ્હીનાં સર્વર્સ ડાઉન રહ્યાં હતાં, જે આ હુમલાની તીવ્રતા સૂચવે છે, જેના લીધે આ હૉસ્પિટલની અનેક સેવાઓને અસર થઈ હતી.
દિલ્હીમાં એઇમ્સની સામે આવેલી સફદરજંગ હૉસ્પિટલ ચોથી ડિસેમ્બરે સાઇબર અટૅકનો ભોગ બની હતી. જોકે એઇમ્સ પરના હુમલાની સરખામણીમાં અહીં નુકસાન વધારે નહોતું.