29 March, 2024 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની તસવીર
સમગ્ર ભારતના ૬૦૦થી વધુ વકીલોએ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI)ને પત્ર લખીને રાજકીય દબાણને કારણે ન્યાયતંત્ર પર તોળાતા જોખમ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ‘ન્યાયતંત્ર જોખમમાં – પૉલિટિકલ અને પ્રોફેશનલ પ્રેશર સામે ન્યાયતંત્રને સુરક્ષિત રાખવાની જરૂર’ એવા શીર્ષક હેઠળ લખાયેલા પત્ર પર સિનિયર ઍડ્વોકેટ હરીશ સાળવે, મનન કુમાર મિશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિન્કી આનંદ અને સ્વરૂપમા ચતુર્વેદી સહિતના અગ્રણી વકીલોએ હસ્તાક્ષર કર્યા હતા.
પત્રમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે એક ચોક્કસ જૂથ ન્યાયતંત્રની અખંડિતતાને ક્ષીણ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. ખાસ કરીને રાજકીય વ્યક્તિઓ અને ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં પરિણામોને તેમની તરફેણમાં લાવવા માટે વકીલો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. આના કારણે લોકશાહી અને ન્યાયપ્રક્રિયાઓમાં લોકોનો જે વિશ્વાસ છે એના પર મોટો ખતરો ઊભો થયો છે.
વકીલોએ એવું પણ જણાવ્યું હતું કે ‘આ ગ્રુપ કોર્ટના કથિત ‘વધુ સારા ભૂતકાળ’ અને ‘સુવર્ણ યુગ’ની ખોટી વાતો ઘડીને એની સરખામણી વર્તમાનમાં બની રહેલી ઘટનાઓ સાથે કરી રહ્યું છે, આ નિવેદનો કોર્ટના નિર્ણયને પ્રભાવિત કરવા અને રાજકીય લાભ માટે કોર્ટને શરમજનક સ્થિતિમાં મૂકવા માટે જાણીજોઈને કરવામાં આવી રહ્યાં છે. કેટલાક વકીલો દિવસે રાજકારણીઓનો બચાવ કરે છે અને રાતે મીડિયા મારફત જજને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે.’
પત્રમાં વકીલોએ એવી ફરિયાદ પણ કરી છે કે આ લોકો બેન્ચ-ફિક્સિંગ જેવા આરોપો મૂકે છે અને આપણી જુડિશ્યરી સિસ્ટમ અનફેર છે એવું પણ કહે છે. બાર કાઉન્સિલના વરિષ્ઠ સભ્યોએ સુપ્રીમ કોર્ટને આવા હુમલા સામે સુરક્ષાત્મક પગલાં લેવાની અરજી કરી હતી.