13 September, 2024 12:50 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
માંડ્યામાં ટોળાએ સળગાવેલી રીક્ષાની તપાસ કરી રહેલા પોલીસના અધિકારીઓ
કર્ણાટકના માંડ્યા જિલ્લાના નાગમંગલામાં બુધવારે સાંજે ગણેશવિસર્જનની શોભાયાત્રા દરમ્યાન બે જૂથ વચ્ચેનો વિવાદ મારામારીમાં ફેરવાઈ જતાં તેમની વચ્ચે પથ્થરમારો અને ફાયરિંગ થયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાથી માંડ્યા જિલ્લામાં ભારે તનાવ સર્જાયો હતો. આ ઘટનામાં કેટલીક દુકાનો અને વાહનો સળગી ગયાં હતાં. પથ્થરમારાની ઘટનામાં કેટલાક લોકો અને પોલીસો જખમી થયા હતા. પથ્થરમારાની ઘટના દરમ્યાન મોટી ભીડ એકઠી થતાં પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો તેમ જ ભીડને કાબૂમાં લેવા ટિયરગૅસ છોડવો પડ્યો હતો. તનાવનો માહોલ જોતાં પોલીસ દ્વારા અહીં કરફ્યુ લાદવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ૪૬ લોકોની ધરપકડ કરી છે. હાલમાં આ સ્થળે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે.