19 August, 2023 10:18 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
કૉંગ્રેસ લોગો
હૈદરાબાદ : તેલંગણ કૉન્ગ્રેસ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવા પ્લાનિંગ કરી રહેલા ઉમેદવારની અરજી સ્વીકારવાનું શરૂ કરશે. ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. પક્ષના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે કર્ણાટક કૉન્ગ્રેસ મૉડલને પગલે તેલંગણ એકમ એસસી, એસટી અને શારીરિક રીતે અશક્ત વર્ગોના મહત્ત્વાકાંક્ષી ઉમેદવારો માટે અરજી-ફી તરીકે ૨૫,૦૦૦ રૂપિયા અને બાકીના માટે ૫૦,૦૦૦ રૂપિયા ચાર્જ કરશે. કર્ણાટક યુનિટે સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે અરજી-દસ્તાવેજો સાથે બે લાખ રૂપિયા વસૂલ્યા હતા, જ્યારે મે મહિનામાં અગાઉ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એસસી, એસટી અરજદારો માટે એક લાખ રૂપિયા હતા.
તેલંગણ પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશ કુમાર ગૌડે જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન દામોદર રાજા નરસિમ્હાની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની પેટા સમિતિની રચના કરી હતી. અમે ઉમેદવારો દ્વારા ભરવા માટેનાં જરૂરી ફૉર્મ અપલોડ કરીશું. અરજદારોએ ફૉર્મ ભરીને એને ડીડી (૫૦,૦૦૦ અથવા ૨૫,૦૦૦ રૂપિયા) સાથે ૨૫ ઑગસ્ટ પહેલાં સબમિટ કરવાનું રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પેટા સમિતિએ ૨૫,૦૦૦ રૂપિયા (સામાન્ય શ્રેણી માટે)ની ભલામણ કરી હોવા છતાં પાર્ટીના ટોચના નેતૃત્વએ ફી તરીકે ૫૦,૦૦૦ રૂપિયા નક્કી કર્યા હતા.