26 December, 2022 10:31 AM IST | Agra | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
આગરા : આગરામાં ચીનથી શુક્રવારે પાછો ફરનારો ૪૦ વર્ષનો એક પુરુષ કોરોના પૉઝિટિવ આવ્યો છે. આગરાના ચીફ મેડિકલ ઑફિસર ડૉ. એ. કે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેનાં સૅમ્પલને જીનોમ સીક્વન્સિંગ માટે લખનઉ મોકલવામાં આવ્યાં છે, જેથી વેરિઅન્ટ વિશે જાણી શકાય.
આ પુરુષ ચીનમાં કામ કરતો હતો અને રજા મૂકીને આગરામાં આવ્યો હતો. અત્યારે તેનામાં કોરોનાનાં કોઈ લક્ષણો જોવા મળ્યાં નથી અને તેને આગરાના શાહગંજ વિસ્તારમાં તેના ઘરમાં આઇસોલેટ કરવામાં આવ્યો છે.
એક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ચીનથી પાછો આવનાર આ પુરુષના સંપર્કમાં આવનારા લોકોને કોરોનાની ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. દરમ્યાનમાં આગરામાં રેલવે સ્ટેશન, બસ-સ્ટૅન્ડ અને ઍરપોર્ટ પર ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.
જ્યાં સુધી ચીનમાંથી આવતા પ્રવાસીઓની વાત છે તો ચીનમાં અત્યારની મહામારીની સ્થિતિ જોતાં ચીનમાં રહેતા ભારતીયો હૉલિડે માટે મોટી સંખ્યામાં ભારતમાં આવે એવી ઓછી શક્યતા છે. વળી બન્ને દેશો વચ્ચે કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી. ભારતીયો હૉન્ગકૉન્ગ કે ત્રીજા કોઈ દેશના રૂટથી જ ટ્રાવેલ કરી શકે છે. વળી ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટને કારણે પણ ચીનમાંથી ભારતમાં આવવું મુશ્કેલ છે, કેમ કે ચાઇનીઝ સરકારે મોટા ભાગની ટેસ્ટિંગ ફૅસિલિટીઝ બંધ કરી દીધી છે. એટલા માટે ટ્રાવેલર્સ માટે આરટીપીસીઆર રિપોર્ટ ચીનમાંથી મેળવવો મુશ્કેલ છે. વળી ચીનમાં રહેતા ભારતીયોમાંથી મોટા ભાગના પણ ઓમાઇક્રોનના વેરિઅન્ટથી સંક્રમિત થયા હોય એવી શક્યતા છે.
ભારત સરકારે ચીન, જપાન, સાઉથ કોરિયા, સિંગાપોર અને થાઇલૅન્ડથી આવતા પૅસેન્જર્સ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી છે.
વ્યાપકપણે રસીકરણ અને સાથે કેસોમાં થતા ઘટાડાને કારણે ભારતે નવેમ્બરથી ઇન્ટરનૅશનલ પૅસેન્જર્સ માટે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટનો નિયમ રદ કર્યો હતો.
જોકે શનિવારથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બૅન્ગલોર, ચેન્નઈ, અમદાવાદ, પુણે, ઇન્દોર અને ગોવા સહિત તમામ શહેરોનાં ઍરપોર્ટ્સ પર ઇન્ટરનૅશનલ પૅસેન્જર્સનું કોરોના માટે રૅન્ડમ ટેસ્ટિંગ શરૂ થયું છે.
વિદેશોમાંથી આવતા પૅસેન્જર્સના મર્યાદિત પ્રમાણમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટેના ભારતના નિર્ણયને લીધે ટ્રાવેલિંગ કરવા જઈ રહેલા લોકોને ચિંતા થઈ રહી છે. જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે એને લીધે હૉલિડે માટે જઈ રહેલા કે વિદેશોમાંથી આવી રહેલા લોકોના ટ્રાવેલ-પ્લાન ખોરવાઈ જાય એવી શક્યતા નથી.