08 February, 2023 11:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નવી દિલ્હીઃ ટર્કી અને સિરિયામાં સોમવારે આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશ વેરાયો છે. ભારતે પણ ભૂતકાળમાં શક્તિશાળી ભૂકંપનો સામનો કર્યો છે.
ભારતની ૫૯ ટકા જમીન પર ભૂકંપનો ખતરો છે. દેશને ચાર ભૂકંપ ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં ઝોન-૫ ભૂકંપની દૃષ્ટિએ સૌથી વધુ ઍક્ટિવ છે, જ્યારે ઝોન-૨ સૌથી ઓછો ઍક્ટિવ છે. દેશનો લગભગ અગિયાર ટકા વિસ્તાર ઝોન-૫માં, ૧૮ ટકા વિસ્તાર ઝોન-૪માં, ઝોન-૩માં ૩૦ ટકા વિસ્તાર અને બીજા વિસ્તારો ઝોન-૨માં આવે છે. ભારતમાં ઝોન-૫માં જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ગુજરાતમાં કચ્છ તેમ જ આંદામાન-નિકોબાર આઇલૅન્ડ્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : સની લીઓનીની જાનને છે ખતરો? રેમ્પ વૉકના સ્થળે બોમ્બ વિસ્ફોટ
ભારત સરકારના નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી અનુસાર ભારતમાં ઓછામાં ઓછાં ૩૮ શહેરો ભૂકંપનું ખૂબ જ જોખમ ધરાવતાં વિસ્તારોમાં સામેલ છે, જેમાં કાશ્મીર, પશ્ચિમી અને મધ્ય હિમાલય, ઉત્તર અને મધ્ય બિહાર, કચ્છનું રણ અને આંદામાન-નિકોબાર આઇલૅન્ડ્સ સામેલ છે. ૧૯૫૦થી અત્યાર સુધીમાં દેશમાં ભૂકંપના કારણે ૩૫,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે.
૨૦૨૨માં ૯૦૦થી વધુ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. નૅશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી અનુસાર દેશમાં અલગ-અલગ જગ્યાઓએ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે,
જેમાંથી કેટલાક ભૂકંપની તીવ્રતા ચારથી ઓછી હતી.
ભારતમાં હિમાલય રેન્જમાં સૌથી મોટા ભૂકંપની શક્યતા
હિમાલય રેન્જ એટલે કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ખૂબ જ ભયાનક ભૂકંપ આવી શકે છે, જેની તીવ્રતા ૭.૮થી ૮.૫ વચ્ચે હોઈ શકે છે. આઇઆઇટી કાનપુરના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના સિનિયર પ્રોફેસર અને જિયોસાયન્સ એન્જિનિયરિંગ એક્સપર્ટ પ્રોફેસર જાવેદ એન. મલિકે કહ્યું હતું કે ‘ભારત ભૂકંપના સાઇકલ ઝોનમાં પ્રવેશી ચૂક્યું છે. જેનો અર્થ એ થયો છે કે કોઈ પણ સમયે ઉત્તરાખંડ અને હિમાચલમાં ભયાનક ભૂકંપના આંચકા આવી શકે છે.’