08 April, 2025 06:55 AM IST | Dwarka | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દ્વારકાધીશ મંદિરમાં પાકિસ્તાનમાં રહેતી હિન્દુ મહિલાઓ.
રામનવમી પહેલાં પાકિસ્તાનથી ભારત આવેલા ૩૦૦ જેટલા હિન્દુ શ્રદ્ધાળુઓએ ગઈ કાલે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન કૃષ્ણનાં દર્શન કરીને પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા. તેમનો ઉત્સાહ જોવાલાયક હતો. તેમણે જયકારા લગાવ્યા હતા અને ભારતમાં મળેલા માહોલની પ્રસંશા કરી હતી.
આના સંદર્ભમાં સોશ્યલ મીડિયામાં કરવામાં આવેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે પાકિસ્તાનથી આવેલા ભાવિકો મંદિરની બહાર ઊભા રહીને ‘જય દ્વારકાધીશ’નો જયકાર કરી રહ્યા છે. બધા ભાવિકો ઘણા ખુશ અને ઉત્સાહિત દેખાય છે. આ ગ્રુપની એક યુવતીએ જણાવ્યું હતું કે તેમને ભારત આવવા માટેના વીઝા તેમના રાયપુરમાં રહેતા ગુરુ ડૉ. યુધિષ્ઠિરલાલ મહારાજને કારણે મળ્યા હતા. ૩૦૦ જણના આ ગ્રુપને ૬૦ દિવસ માટે ભારતનાં ધાર્મિક સ્થળોમાં ફરવા માટે વીઝા આપવામાં આવ્યા છે. આ ભાવિકો ભારતનાં ધાર્મિક સ્થળો સાથે માઉન્ટ આબુ પણ જશે અને પાછા વળતી વખતે ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ પવિત્ર ગંગાજળને તેમની સાથે લઈ જશે.
આ મુદ્દે સિંધની વતની અને કરાચીમાં સૉફ્ટવેઅર એન્જિનિયર તરીકે કામ કરતી સાક્ષી નામની યુવતીએ જણાવ્યું હતું કે ‘અમે ખૂબ ખુશ છીએ કે અમને દ્વારકાધીશનાં દર્શન કરવાનો મોકો મળ્યો છે. અમે પોતાને ધન્ય અને ભાગ્યશાળી માનીએ છીએ કે અમને અહીં આવવા મળ્યું. ઘણા ઓછા લોકોને આવો અવસર મળે છે.’