જમ્મુ-કાશ્મીરના ડોડામાં ૩ આતંકવાદી ઠાર

27 June, 2024 02:07 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

બુધવારે સવારે પોલીસને આ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ૩ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ તાજેતરમાં સેના અને પોલીસ પર થયેલા હુમલાઓમાં સંડોવાયેલા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી US-મેડ M4 કાર્બાઇન સહિતનાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યાં હતાં. જમ્મુ-કાશ્મીરના ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ વિજય કુમારે જણાવ્યું હતું કે બુધવારે સવારે પોલીસને આ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૩ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં શ્રેણીબદ્ધ આતંકી હુમલાઓને પગલે ડોડા, રાજૌરી, પૂંછ પ્રદેશોમાં આતંકવાદીઓનો ખાતમો કરવાની કામગીરી તીવ્ર બની છે. ૧૧ જૂને આર્મી કૅમ્પ પર થયેલા હુમલામાં પાંચ સૈનિકો અને એક સ્પેશ્યલ પોલીસ ઑફિસર ઈજાગ્રસ્ત થયા હતા. અન્ય એક ઘટનામાં પોલીસ કૅમ્પ પર હુમલો થતાં એક પોલીસ-કર્મચારી ઘાયલ થયો હતો. 

jammu and kashmir terror attack national news