૧૨-૧૩ વર્ષના ૩ છોકરાઓએ ૮ વર્ષની બાળકીને બળાત્કાર કરીને મારી નાખી

12 July, 2024 07:28 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

સ્થાનિક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ત્રણેય છોકરાઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે

પ્રતીકાત્મક તસવીર

આંધ્ર પ્રદેશમાં બનેલી એક શૉકિંગ ઘટનામાં પોલીસે ૧૨ અને ૧૩ વર્ષના ત્રણ છોકરાઓને ૮ વર્ષની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે. જોકે બાળકીનો મૃતદેહ હજી મળ્યો ન હોવાથી પોલીસ મિસિંગની ફરિયાદ નોંધીને આ કેસની વધુ તપાસ કરી રહી છે.

આંધ્ર પ્રદેશના નાંદ્યાલ જિલ્લામાં રહેતી ૮ વર્ષની બાળકી રવિવારે નજીકના એક પાર્કમાં રમવા ગઈ હતી, પણ તે પાછી ન આવતાં તેના પપ્પાએ મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે કરેલી તપાસમાં સ્નિફર ડૉગની મદદથી તેઓ ત્રણ છોકરા સુધી પહોંચ્યા હતા. બાળકીની જ સ્કૂલમાં છઠ્ઠા અને સાતમા ધોરણમાં ભણતા આ છોકરાઓએ પોલીસની પૂછપરછ દરમ્યાન બાળકી પર બળાત્કાર કરીને તેને મારી નાખી હોવાનું કબૂલ કર્યું હતું.

પોલીસે કહ્યું કે ‘બાળકીને પાર્કમાં એકલી રમતી જોઈને આ ત્રણેય તેને ફોસલાવીને નજીકમાં આવેલા ડૅમ પાસે લઈ ગયા હતા. એ વેરાન જગ્યામાં ત્રણેય જણે બાળકી પર બળાત્કાર કર્યો હતો. જોકે તે આની વાત તેનાં મમ્મી-પપ્પાને કહી દેશે તો શું થશે એની ચિંતાને લીધે તેમણે બાળકીની હત્યા કરી નાખી હતી અને મૃતદેહને બાજુમાં આવેલી કનૅલમાં ફેંકી દીધો હતો.’

સ્થાનિક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ત્રણેય છોકરાઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે, પણ બાળકીનો મૃતદેહ હજી મળ્યો ન હોવાથી અત્યારે અમે મિસિંગની ફરિયાદ નોંધીને કેસની તપાસ કરી રહ્યા છીએ.

national news andhra pradesh sexual crime Crime News india